મહારાષ્ટ્રમાં નાગરિકતા કાયદા વિરોધી ઠરાવ પસાર કરવાની જરૂર નથીઃ ઉદ્ધવ

23 January, 2020 10:16 AM IST  |  Mumbai | Faizan Khan

મહારાષ્ટ્રમાં નાગરિકતા કાયદા વિરોધી ઠરાવ પસાર કરવાની જરૂર નથીઃ ઉદ્ધવ

મુંબઈ પોલીસના હેડ-ક્વાૅર્ટર્સમાં મુસ્લિમ નેતાઓને મળતા ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે મુસ્લિમ ધાર્મિક આગેવાનોને જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારે વિધાનમંડળમાં નાગરિકતા કાયદા વિરોધી ઠરાવ પસાર કરવાની જરૂર નથી, કારણકે હાલમાં રાજ્યમાં એ કાયદાનો અમલ કરવાનો નથી. રાજ્યના તમામ ધર્મોના લોકોએ કોઈ પણ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. નાગરિકતા કાયદા સામે વિરોધ-પ્રદર્શન શાંતિમય રહે એની તકેદારી રાખવી જરૂરી છે.’

મુંબઈમાં મુસ્લિમ સમુદાયોનું નાગરિકતા કાયદા સામે વિરોધ-પ્રદર્શન ચાલુ રહેતાં એ બાબતનો નીવેડો લાવવા માટે શહેરના પોલીસ કમિશનર સંજય બર્વેએ મુસ્લિમ સંસ્થા રઝા એકેડેમીના સહયોગમાં યોજેલી બેઠકમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને વરિષ્ઠ પોલીસ અમલદારો ઉપસ્થિત હતા. બેઠકમાં ઉદ્ધવ ઠાકરે વિવિધ મુસ્લિમ સંગઠનોના ૨૦૦ કરતાં વધારે પ્રતિનિધિઓને મળ્યા હતા.

મૌલાના મોઇન અશરફ મિયાંએ જણાવ્યું હતું કે ‘મુખ્ય પ્રધાને અમારી સાથે ૪૫ મિનિટ ચર્ચા કરી હતી. એમણે કહ્યું કે રાજ્યના વિધાનમંડળમાં ઠરાવ પસાર કરવામાં નહીં આવે. હાલમાં રાજ્યમાં એ કાયદાનો અમલ કરવાનો નહીં હોવાથી એવો ઠરાવ પસાર કરવામાં નહીં આવે, પરંતુ મુસ્લિમ સમુદાય ગભરાયેલો હોવાથી અમે મુખ્ય પ્રધાનનો સંદેશ સમુદાયના લોકો સુધી પહોંચાડીશું. મહારાષ્ટ્ર સરકાર એ કાયદાનો અમલ નહીં કરે એવી અમે આશા રાખીએ છીએ.’

રઝા એકેડેમીના આગેવાન મૌલાના અમાનુલ્લા રઝાએ જણાવ્યું હતું કે ‘મુસ્લિમ સમુદાયની માગણીઓ ન સંતોષાય તો વિરોધ-પ્રદર્શન ભલે ચાલુ રાખવામાં આવે, પરંતુ દેખાવકારોએ કાયદો હાથમાં ન લેવો જોઈએ. ઠાકરેએ અમને વિરોધ પ્રદર્શન શાંતિમય રાખવાનો અનુરોધ કર્યો હતો. નાગરિકોને દરેક બાબત સમજાવવાની તકેદારી રાખવા પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.’

આ પણ વાંચો : બાંદરા-ઈસ્ટમાં નાળાને પહોળું કરવાનું કામ ખોરંભે ચડતાં મુસાફરોની હાલાકીમાં વધારો

પોલીસ કમિશનર સંજય બર્વે બીજી વખત મુખ્ય પ્રધાનની જોડે મુસ્લિમ સમુદાયના આગેવાનોને મળ્યા હતા. ગયા વર્ષે ઉદ્ધવ ઠાકરેએ મુસ્લિમ સમુદાયને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. ઉક્ત બેઠકોના આયોજન પાછળ નાગરિકતા કાયદાના વિરોધમાં મુસ્લિમ સમુદાયમાં રોષ અને અજંપો વધી રહ્યો હોવાના ગુપ્તચર તંત્રના અહેવાલો પણ કારણભૂત ગણાય છે.

mumbai news uddhav thackeray jawaharlal nehru university faizan khan