ગરમીનો ત્રાસ સહન ન કરવો હોય તો વીક-એન્ડમાં ઘરમાં રહો

06 March, 2021 09:05 AM IST  |  Mumbai | Gaurav Sarkar

ગરમીનો ત્રાસ સહન ન કરવો હોય તો વીક-એન્ડમાં ઘરમાં રહો

ફાઈલ તસવીર

છેલ્લા ત્રણ-ચાર દિવસથી મુંબઈમાં મહત્તમ ઉષ્ણતામાન ૩૮ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હતું. તાપમાનનો આ આંકડો વીક-એન્ડ (શનિ-રવિ)માં વધવાની શક્યતાને પગલે જેમના માટે અનિવાર્ય ન હોય એ લોકોને ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ હવામાન ખાતાએ આપી છે. જેમના માટે સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી ખુલ્લા આકાશ નીચે કામ કરવું આવશ્યક હોય તેમને રોગચાળાથી દૂર રહેવા ઉપરાંત ગરમીમાં રાહત માટે માસ્ક પહેરી રાખવાની તેમ જ ભરપૂર પ્રમાણમાં પાણી કે પ્રવાહી પીવાનું ચાલુ રાખવાની ભલામણ હવામાન ખાતાના અધિકારીઓએ કરી છે.

કોલાબા વેધશાળાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘છેલ્લા એકાદ અઠવાડિયાથી શહેરના એકંદર ઉષ્ણતામાનમાં સતત વધારો થઈ રહ્યો છે. લઘુતમ ઉષ્ણતામાન ૨૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે. ચારેક દિવસથી મહત્તમ ઉષ્ણતામાન ૩૮ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. ઈશાન દિશામાંથી ફૂંકાતા પવનને કારણે વાતાવરણમાં ગરમી વધી રહી છે. આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી બફારો અને ઉકળાટ અસહ્ય બન્યા છે. સમગ્ર મહારાષ્ટ્રમાં એકાદ અઠવાડિયાથી ગરમીમાં વધારાની વ્યાધિમાં આજે સાંજથી રાહતની શક્યતા છે અને મુંબઈમાં રવિવાર પછી કદાચ રાહતની શક્યતા છે.’

mumbai mumbai news mumbai weather gaurav sarkar