એન. એમ. કૉલજે એમ.કૉમ પાર્ટ-2 માટે 100 ટકા ફી-વધારો જાહેર કર્યો

03 August, 2020 08:17 AM IST  |  Mumbai | Pallavi Smart

એન. એમ. કૉલજે એમ.કૉમ પાર્ટ-2 માટે 100 ટકા ફી-વધારો જાહેર કર્યો

પ્રતીકાત્મક તસવીર

એન. એમ. કૉલેજે એમ.કૉમ પાર્ટ-2ની ફીમાં ૧૦૦ ટકાનો વધારો જાહેર કરતાં વિદ્યાર્થીઓમાં આઘાતની લાગણી પ્રવર્તી રહી છે.
કૉલેજના વહીવટી તંત્રએ ફી-વધારાના પોતાના નિર્ણય વિશે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે કૉલેજે છેલ્લાં ૧૨ વર્ષથી ફીમાં વધારો કર્યો નહોતો જે જોતાં આ વધારો કાંઈ બહુ મોટો ન કહેવાય.

એમ.કૉમ પાર્ટ-1 માટે સ્ટુડન્ટ્સે ૧૩,૦૦૦ રૂપિયા ફી ચૂકવી હતી અને બીજા વર્ષ માટે ૨૫,૦૦૦ રૂપિયા ફી ચૂકવવાની રહેશે. ૨૯ જુલાઈએ સ્ટુડન્ટ્સને કૉલેજ તરફથી ફીના નવા માળખા વિશે જાણ કરતો ઈ-મેઇલ મળ્યો હતો, જેમાં ૪ ઑગસ્ટ સુધીમાં ફીની ચુકવણી કરવાનો નિર્દેશ હતો.

હાલના સમયમાં અનેક સ્ટુડન્ટ્સ માટે ફી-વધારાનો બોજ વહન કરવો કઠિન હોવાને કારણે તેઓએ કૉલેજ વહીવટી તંત્રને પરિસ્થિતિની સમીક્ષા કરવાનું જણાવતો પત્ર લખ્યો હતો.

એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે અમારી બેચમાં કુલ ૧૨૧ વિદ્યાર્થીઓ છે. અમે અમારી સમસ્યા વિશે મૅનેજમેન્ટનો સંપર્ક કર્યો છે, પરંતુ હજી સુધી કોઈ પ્રતિક્રિયા નથી મળી અને ફી ભરવાની તારીખ નજીક આવી રહી છે. મહામારીના આ સમયમાં અમે અન્ય કૉલેજ પણ શોધી શકીએ એમ નથી.

કૉલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર અજગાંવકરનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે ‘૨૦૦૮થી કૉલેજે ફીમાં વધારો કર્યો નથી. મૂળ વાત એ છે કે જ્યારે અભ્યાસક્રમ અને અભ્યાસક્રમનાં અન્ય પાસાંઓમાં સુધારો કરાયો છે અને કૉલેજ પણ રોગચાળામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરે છે એવામાં વહીવટી તંત્રને ખર્ચ વહન કરવા માટે ફી વધારો આવશ્યક છે.’

mumbai mumbai news pallavi smart