ઍક્ટિવિસ્ટની ચકોર નજરે ભારતીય સૉફ્ટશેલ કાચબાને બચાવી લેવાયા

17 February, 2020 08:00 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

ઍક્ટિવિસ્ટની ચકોર નજરે ભારતીય સૉફ્ટશેલ કાચબાને બચાવી લેવાયા

કાચબાઓ

મુંબઈસ્થિત એનજીઓ પીએડબ્લ્યુએસ અને અમ્મા કૅર ફાઉન્ડેશનની જાગૃત વૉલિન્ટિયરે ગઈ કાલે પવઈમાંથી બે બાળકો પાસેથી બે ભારતીય સૉફ્ટશેલ કાચબા મુક્ત કરાવ્યા હતા. સવિતા કારાલકર નામની આ ઍક્ટિવિસ્ટે અચાનક જ આ કાચબાઓને બચાવ્યા હતા. બેસ્ટની બસમાં તે પવઈ તળાવ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે તેણે બે બાળકોને બે કાચબા હાથમાં પકડીને જતાં જોયાં હતાં. તરત જ બસમાંથી ઊતરી જઈને તેણે બાળકોની પૂછપરછ કરવા સાથે જ પીએડબ્લ્યુએસ-મુંબઈને જાણ કરી આ કાચબાઓને ઉગારી લીધા હતા.

બેમાંથી એક કાચબાના મોઢામાં સેફ્ટીપીન ફસાયેલી હોવાથી એને પ્રાણીઓના ડૉક્ટર પાસે લઈ જવાયો હતો. આ બન્ને બાળકો પાસેથી પ્લાસ્ટિકની દોરી મળી આવી હતી જે તેમણે માછલી પકડવા માટે લીધી હતી, પરંતુ અકસ્માતે કાચબા પકડાઈ ગયા હોવાનું બાળકોએ જણાવ્યું હતું. બન્ને બાળકો કાચબાને પાળવા માગતા હોવાનું જણાવ્યું હતું.

કાચબાના મોઢામાંથી સેફ્ટીપીન કાઢીને દાંતના પોલાણમાં દવા લગાડાઈ હતી. હવે કાચબો સામાન્ય છે અને થોડો સમય એને નિરીક્ષણ હેઠળ રાખ્યા પછી ફરીથી પાણીમાં છોડી દેવાશે.

mumbai wildlife mumbai news powai ranjeet jadhav