મુંબઈ: આજથી લોકલમાં મહિલાઓ પ્રવાસ કરી શકશે

21 October, 2020 07:37 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: આજથી લોકલમાં મહિલાઓ પ્રવાસ કરી શકશે

લોકલ ટ્રેન

૨૧ ઑક્ટોબરથી એટલે કે આજથી મહિલાઓને મુંબઈની સબર્બન ટ્રેનોમાં પ્રવાસની છૂટ આપવામાં આવી હોવાની જાહેરાત ગઈ કાલે રેલવેપ્રધાન પીયૂષ ગોયલે કરી હતી. મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી અને સાંજે ૭ વાગ્યાથી રાતે છેલ્લી ટ્રેન સુધી મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેની સબર્બન સર્વિસમાં પ્રવાસની છૂટ આપવાની રેલવે મંત્રાલયને વિનંતી કરી હતી. ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સંજય કુમારે એ વિનંતી પર સત્વરે ધ્યાન આપવાનો અનુરોધ રેલવે મંત્રાલયને કર્યો હતો. રેલવે દ્વારા મંજૂરી મળી ગઈ હોવાથી સાત મહિના બાદ મહિલાઓ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

ગઈ કાલે રેલવેપ્રધાન પીયૂષ ગોયલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘૨૧ ઑક્ટોબરથી મહિલાઓને સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી અને સાંજે ૭ વાગ્યા પછી મુંબઈની સબર્બન ટ્રેનોમાં પ્રવાસની છૂટ જાહેર કરતાં મને આનંદ થાય છે. અમે આ પ્રકારની છૂટ આપવા તૈયાર હતા અને મહારાષ્ટ્ર સરકારનો પત્ર મળ્યા પછી એ માગણી મંજૂર કરતાં આનંદ થાય છે.’

હાલમાં ફક્ત કોરોના રોગચાળા વિરોધી કાર્યવાહીમાં ફ્રન્ટલાઇન વર્કર્સ અને આવશ્યક સેવાઓમાં જોડાયેલા કાર્યકરો મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેની સબર્બન સર્વિસની ટ્રેનોમાં પ્રવાસ કરી શકે છે.

સવારે ૧૧થી ૩ અને રાત્રે ૭થી લોકલ બંધ થાય ત્યાં સુધી
વેસ્ટર્ન અને સેંટ્રલ રેલવે દ્વારા આજથી સામાન્ય મહિલાઓને પ્રવાસ કરવા દેવાની મંજૂરી આપી દેવાઈ છે. સવારે ૧૧થી ૩ અને રાત્રે ૭ વાગ્યાથી લોકલ બંધ થાય ત્યાં સુધી મહિલાઓ મુસાફરી કરી શકશે. અંદાજે ૨૦ લાખ જેટલી મહિલાઓ સરળતાથી પ્રવાસ કરી શકે એ માટે બંને લાઈનમાં આજથી ટ્રેનોની સર્વિસમાં વધારો કરીને ૧૪૧૦ લોકલ સર્વિસ ચલાવાશે. ક્યુઆર કોડને બદલે ટિકિટ લઈને પ્રવાસ કરી શકાશે. મહિલાઓના પ્રવાસ સમયે બીજા લોકોને રેલવે સ્ટેશનો પર ધસારો ન કરવાની અપીલ કરાઈ છે. કોવિડ-૧૯ના નક્કી કરાયેલા નિયમ પ્રમાણે મહિલાઓએ મેડિકલ અને સોશ્યલ પ્રોટોકોલનું પાલન કરવાનું રેલવેએ જણાવ્યું છે.

mumbai mumbai news mumbai local train indian railways western railway central railway piyush goyal