મુંબઈ : ઉબરના ડ્રાઇવરે પકડાવેલા કવિના કેસની તપાસ કરશે એટીએસ

08 February, 2020 07:36 AM IST  |  Mumbai | Diwakar Sharma

મુંબઈ : ઉબરના ડ્રાઇવરે પકડાવેલા કવિના કેસની તપાસ કરશે એટીએસ

ઉબર ડ્રાઇવર રોહિતસિંહ ગૌર

પાર્ટ-ટાઇમ ઉબર ડ્રાઇવર રોહિતસિંહ ગૌરે જયપુરના કવિ બપ્પાદિત્ય સરકારને ‘દેશ જલા દેંગે’ના કથનની રેકૉર્ડિંગ સાથે સાંતાક્રુઝ પોલીસને હવાલે કર્યો હતો. રોહિતે ઑડિયો ક્લિપ સાંતાક્રુઝના એન્ટિ-ટેરરિઝમ સેલ (એટીએસ)ને સુપરત કરી દીધી હતી.

‘મિડ-ડે’ સાથે વાત કરતાં રોહિતે કહ્યું કે ‘હું પાર્ટ-ટાઇમ ઉબર ડ્રાઇવર છું અને સાંજે કાર ડ્રાઇવ કરી રહ્યો હતો. રોજની જેમ મને રાતના ૧૦.૧૫ વાગ્યાની આસપાસ સિલ્વર બીચ પાસેથી કુર્લા માટેની બુકિંગ મળી. મેં તેને પિકઅપ કર્યો અને થોડા સમય બાદ તે ફોન પર શાહીનબાગમાં ચાલી રહેલા વિરોધના સંદર્ભમાં વાતો કરવા લાગ્યો. તેના કપડાં પરથી મને શરૂઆતમાં લાગ્યું કે તે કોઈ મીડિયાનો માણસ હશે, પણ પછી જ્યારે તેણે કહ્યું કે ‘અબ તો દેશ જલને હી વાલા હૈ’ ત્યારે મને આશ્ચર્ય થયું અને મેં મારા ફોનમાં તેની વાતો રેકૉર્ડ કરી લીધી. એટીએમમાંથી પૈસા કઢાવવા છે એમ કહી કુર્લા લઈ જવાને બદલે મેં સાંતાક્રુઝ પોલીસ સ્ટેશને કૅબ ઊભી રાખી, એ વખતે અંદાજે ૧૦.૪૦ થઈ હશે.’

ટૅક્સી ડ્રાઇવરની ભાષા અને ઉગ્ર વર્તન દેશની આજની સ્થિતિ વર્ણવે છેઃ બપ્પાદિત્ય સરકાર

મુંબઈમાં ઉબર ટૅક્સી ડ્રાઇવર જે કવિને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા એ જયપુરના રહેવાસી ૨૩ વર્ષીય બપ્પાદિત્ય સરકારે જણાવ્યું હતું કે ‘ટૅક્સી ડ્રાઇવરનું આક્રમક વર્તન અને હિંસક ભાષા દેશની હાલની સ્થિતિ દર્શાવતા હતા. ઉબર ટૅક્સીના ડ્રાઇવરના ઉદ્ધત વર્તનને કારણે મને ઘણી તકલીફ પડી હોવા છતાં મેં એની વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી, કારણકે એની કારકિર્દી અને ધંધાને અસર થાય એવા કોઈ પણ પગલાં લેવાની મારી ઇચ્છા નહોતી.’ કાલાઘોડા ફેસ્ટિવલમાં કાવ્યપઠન માટે બપ્પાદિત્ય સરકાર ત્રીજી ફેબ્રુઆરીએ મુંબઈ પહોંચ્યા હતા. નાગપાડામાં નાગરિકતા કાયદા અને નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ સામે વિરોધ-પ્રદર્શનમાં પણ બપ્પાદિત્ય સરકાર સામેલ થયા હતા. એમણે બુધવારે સવારે ૧૦.૩૦ વાગ્યે જુહુથી કુર્લા જવા ઉબર ટૅક્સી ભાડે કરી હતી. એ વખતે એમની પાસે લોકસંગીતનું તાલ વાદ્ય ડફલી હતું. પ્રવાસ દરમ્યાન બપ્પાદિત્ય શાહીનબાગમાં ‘લાલ સલામ’ સાથે દેશના પરેશાન લોકોના વિરોધ-પ્રદર્શનની ચર્ચા કરતા હતા.

mumbai mumbai news diwakar sharma santacruz uber