11 July, 2026 11:36 AM IST | Thane | Gujarati Mid-day Correspondent
આઝાદનગરની મદ્રાસ ચાલમાં બનેલી ઘટના
થાણે-વેસ્ટના બ્રહ્માંડ વિસ્તારમાં આવેલા આઝાદનગરની મદ્રાસ ચાલમાં ગઈ કાલે બપોરે ૩.૩૫ વાગ્યે પચીસ વર્ષ જૂના ગ્રાઉન્ડ પ્લસ વન માળના મકાનની ગૅલરીનો એક ભાગ અચાનક બાજુના ઘર પર તૂટી પડ્યો હતો. એ સમયે ઘરમાં સૂતેલા એક જ પરિવારના ૩ સભ્યોને ગંભીર ઈજાઓ થઈ હતી. એમાં ૧૨ વર્ષના જયકુમાર જાયસવાલને ગંભીર ઈજાઓ થતાં તેને સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં જયકુમારની મમ્મી ઉર્મિલા જાયસવાલ અને તેનો ૯ વર્ષનો નાનો ભાઈ વિનીત પણ ગંભીર રીતે ઘાયલ થયાં છે. સુરક્ષાના ભાગરૂપે મદ્રાસ ચાલના અન્ય ૩ ઘરોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યાં છે અને જોખમી વિસ્તારમાં ડેન્જર ટેપ લગાવી દેવામાં આવી છે.
ચોમાસાને ધ્યાનમાં રાખીને થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા નાગરિકો માટે એક મહત્ત્વની ઍડ્વાઇઝરી ગઈ કાલે જાહેર કરવામાં આવી હતી. ચોમાસા દરમ્યાન પાણીજન્ય રોગો ફેલાવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જતું હોવાથી તકેદારીના ભાગરૂપે નાગરિકોને પીવાનું પાણી હંમેશાં ઉકાળીને અને ગાળીને જ વાપરવાની વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ કરવા પણ જણાવ્યું છે.
પવઈ નજીક આવેલા ભાનશિલા પાડામાંથી ગુરુવારે મોડી રાતે ૮.૫ ફુટ લાંબી માદા મગરને હેમખેમ પકડી પાડવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે મધરાતે આશરે એક વાગ્યાની આસપાસ વાઇલ્ડલાઇફ વેલ્ફેર અસોસિએશન (WWA)ને આની માહિતી મળી હતી. વન્યજીવપ્રેમીઓ અને રેસ્ક્યુ ટીમની ભારે જહેમત બાદ વહેલી સવારે આ માદા મગરને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે ઝડપી લેવામાં આવી હતી, જેના પગલે સ્થાનિક ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.