વંચિત બહુજન આઘાડીના મહારાષ્ટ્ર બંધ દરમ્યાન બસ પર પથ્થરમારો

25 January, 2020 10:45 AM IST  |  Mumbai/Solapur/Pune

વંચિત બહુજન આઘાડીના મહારાષ્ટ્ર બંધ દરમ્યાન બસ પર પથ્થરમારો

વિરોધ : થાણેમાં મહારાષ્ટ્ર બંધ દરમ્યાન રસ્તા પર ઊતરી આવેલા વિરોધકો. તસવીર : પી.ટી.આઈ.

સિટિઝન્સ અમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ) અને નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી), નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) તેમ જ કેટલાક આર્થિક પ્રશ્નોના વિરોધમાં વંચિત બહુજન આઘાડીએ ગઈ કાલે યોજેલા મહારાષ્ટ્ર બંધ દરમ્યાન રાજ્યના વિવિધ ભાગોમાં બસો પર પથ્થરમારા સહિત હિંસાના છૂટાછવાયા બનાવો બન્યા હતા. જોકે બંધને કારણે રાબેતા મુજબના જીવનવ્યવહારને ખાસ અસર થઈ નહોતી.

વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે સાંજે ૪ વાગ્યે બંધ પાછો ખેંચ્યો હતો.

પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર બંધને મુંબઈના વેપારીઓ અને ઑફિસોમાં જતા લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. એ ઉપરાંત રાજ્યભરમાં વિરોધ શાંતિપૂર્વક વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના કેટલાક ભાગોમાં પથ્થરમારો અને તોડફોડ કરનારા લોકો અમારા પક્ષના નહોતા, અન્ય સંગઠનોના હતા. વિદર્ભના અમરાવતી શહેરમાં પોલીસે લાઠીમાર બાદ વંચિત બહુજન આઘાડીના કાર્યકરોને અટકાયતમાં લીધા હતા, પરંતુ લાઠીમારનું પગલું અયોગ્ય હોવાનો અહેસાસ થતાં પોલીસે તેમને છોડી મૂક્યા હતા. પાલઘરમાં બજરંગ દળના કાર્યકરોએ બંધને નિષ્ફળ બનાવવાના પ્રયાસમાં બળજબરીથી દુકાનો ખોલાવવાના ઉધામા કર્યા હતા. ગુરુવારથી સમગ્ર રાજ્યમાં વંચિત બહુજન આઘાડીના ૩૦૦૦ કાર્યકરોને અટકાયતમાં લીધા હતા. શાંતિપૂર્વક વિરોધ કરીને અમે અમારો સંદેશ સરકાર સુધી પહોંચાડવામાં સફળ થયા છીએ. બંધને કર્મચારી સંગઠનો સહિત ૧૦૦ રાજકીય અને સામાજિક સંસ્થાઓએ સમર્થન આપ્યું હતું.’

ગઈ કાલે સવારે ૯.૧૫ વાગ્યે ચેમ્બુરમાં બેસ્ટની બસ પર પથ્થરમારામાં કુર્લા જતી ૩૬૫ નંબરની બસના ડ્રાઇવરને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત ડ્રાઇવર વિલાસ દાભાડેને ગોવંડીની શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર બંધને કારણે પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેની ઉપનગરીય સેવાઓ, મેટ્રો અને મોનો રેલ સર્વિસિસ, ટૅક્સી અને રિક્ષા સહિત જાહેર વાહનવ્યવહારને ખલેલ પહોંચી નહોતી. સોલાપુર અને ઔરંગાબાદ જિલ્લાઓમાં બસો પર પથ્થરમારાના છૂટાછવાયા બનાવો નોંધાયા હતા. પુણે અને અહમદનગરમાં બંધને સાધારણ પ્રતિસાદ મળ્યો હતો.

મને ૫૦૦ કરોડ આપો તો હું પણ મુખ્ય પ્રધાન બનીને દેખાડું : પ્રકાશ આંબેડકર

‘મને ૫૦૦ કરોડ રૂપિયા આપો તો હું પણ મુખ્ય પ્રધાન બનીને દેખાડું.’ આ શબ્દો દ્વારા વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે રાજકારણમાં પૈસાની જ બોલબાલા છે એવો સંકેત આપ્યો છે.

આ પણ વાંચો : થાણેમાં ટ્રકે ઍક્ટિવાને ટક્કર મારતાં ગુજરાતીએ જીવ ગુમાવ્યો

સીએએ અને એનઆરસીના વિરોધમાં વંચિત બહુજન આઘાડીએ મહારાષ્ટ્રમાં બંધનું આહ્‍વાન કર્યું હતું એ વિશે પ્રશ્ન કરતાં એક ચૅનલે તેમને પૂછ્યું હતું કે રાજકારણના બદલાયેલા સમીકરણમાં આપને પણ સત્તામાં મહત્ત્વનું સ્થાન મળે એ હેતુથી તમે આ મુદ્દાને આગળ કરી રહ્યા છો? એના ઉત્તરમાં પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે ‘કચૂંટણી જીતવી કે ન જીતવી એ મુખ્ય નથી, તમે મને ૫૦૦ કરોડ રૂપિયા આપો તો હું પણ મુખ્ય પ્રધાન બનીને બતાવું. અમે પ્રામાણિકતાથી ચૂંટણી લડીએ છીએ, મત ખરીદતા નથી. જે દિવસે મારામાં મત ખરીદવાની તાકાત આવશે એ દિવસે હું પણ મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન બનીશ.’

mumbai news mumbai brihanmumbai municipal corporation solapur pune