કોરોના સંક્રમિત મૃતદેહોની વચ્ચે થાય છે અન્ય દર્દીની સારવાર,વીડિયો વાઇરલ

07 May, 2020 07:22 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કોરોના સંક્રમિત મૃતદેહોની વચ્ચે થાય છે અન્ય દર્દીની સારવાર,વીડિયો વાઇરલ

આ અંગે દર્દીઓ અને પરિવારનાં લોકોએ વહીવટી તંત્રને જાણ કરી પણ વાત વણસી અને આ વીડિયો ખૂબ વાઇરલ થઇ ગયો.

મુંબઇમાં કોરોનાના કેસિઝ ધડાધડ વધી રહ્યાં છે. મુંબઇમાં અત્યાર સુધીનાં એક્ટિવ કેસિઝનો આંકડો 13,013 છે, કન્ફર્મ્ડ કેસિઝ 16758 છે અને મૃત્યુ આંક 651 પહોંચ્યો છે તો સાજા થયેલાઓની સંખ્યા 3094 છે. આ સંજોગોમાં આજે મુંબઇની સાયન હૉસ્પિટલની બેદરકારી એક વાઇરલ વીડિયોમાં સામે આવવાથી ભારે હોબાળો થયો હતો અને આ મુદ્દો વહીવટી તંત્રનું સિંહાસન ડોલાવી દે તેવો સાબિત થઇ શકે તેમ છે.અહીં સંક્રમણથી મૃત્યુ પામેલાઓનાં મૃતદેહ ઇમર્જન્સી વૉર્ડ પાસે મુકાયા હતા.આ અંગે દર્દીઓ અને પરિવારનાં લોકોએ વહીવટી તંત્રને જાણ કરી પણ વાત વણસી અને આ વીડિયો ખૂબ વાઇરલ થઇ ગયો.

વીડિયોમાં જોઇ શકાય છે કે વૉર્ડમાં પલંગ પર દર્દીઓ સુતા છે અને વચ્ચે કાળી બૉડી બેગ્ઝમાં શબ મુકેલા છે. અમુક મૃતદેહ પર કપડું ઢાંક્યુ છે તો અમુક ધાબળાથી ઢંકાયા છે. આવા કૂલ 19 ડેડબૉડીઝ વૉર્ડમાં દર્દીઓને વચ્ચે રખાયા હતા. આ વીડિયો ભાજપનાં નેતા નિતશ રાણે ટ્વિટ કર્યો હતો અને આ ઘટના શરમજનક છે તેમ લખ્યું હતું.

આ અંગે હૉસ્ટિપલનાં ડીન ડૉ.પ્રમોદ ઇંગલે પુષ્ટિ આપી હતી અને કહ્યું હતું કે કોરોનાનાં જે દર્દીઓ ગુજરી ગયા છે તેમનો પરિવાર તેમને લેવા ન આવતો હોવાથી આ રીતે ડેડબૉડીઝ રાખવા પડ્યા છે અને શબઘરમાં 15 શેલ્ફ છે જેમાંથી 11 શેલ્ફ ભરેલા છે.

ધારાવીનાં દર્દીઓ મોટેભાગે અહીં તપાસ માટે આવતા હોય છે અને. ધારાવીમાં કેસિઝની સંખ્યા 700થી ઉપર જઇ ચુકી છે ત્યારે આવા સંજોગો કેટલા જોખમી હોઇ શકે તેની ચર્ચા કરવાનો પણ અર્થ નથી. સાયન હોસ્પિટલમાં ટેસ્ટ થયાના લગભગ 15-20 કલાકમાં રિપોર્ટ આવી જાય છે. અહીં ઇમરજન્સી વોર્ડમાં 20 બેડ છે. અહીં Covid-19 અને NonCovid બન્ને પ્રકારના દર્દીઓને રાખવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં જો ઇમરજન્સી વોર્ડમાં કોઇ દર્દીનું મૃત્યુ થઇ જાય તો તેનો મૃતદેહ Covid-19 ટેસ્ટનો રિપોર્ટ આવે ત્યાં સુધી ત્યાં જ હોય છે તથા દર્દીઓને પલંગ પર જ રહેવાનું કહેવાય છે.

આ ઘટના બહાર આવતા મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટકોર કરી હતી કે, “કોરોના સંક્રમિત મૃતદેહોની આસપાસ બીજા દર્દીઓની સારવાર ચાલતી હોય તે ખરેખર જોખમી છે અને અને શું મુંબઇકરનો કોઇ રખેવાળ નથી બચ્યો?”

એક માહિતી અનુસાર ધારાવીમાં ખરા આંકડા હજી બહાર નથી આવતા કારણકે લોકો રિપોર્ટ કરાવવા જવાનું ટાળે છે અને હૉસ્પિટલ નથી જતા. આ સંજોગોમાં કોરોનાની ગંભીરતા કેટલી હદે વધશે તેની કલ્પના જ માત્ર કરવી રહી.

mumbai viral videos sion covid19 coronavirus