મુંબઈ ​: લોકલ ટ્રેનોમાં પ્રવાસ માટે છ પ્રકારના છળ અજમાવાય છે

22 September, 2020 07:42 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ ​: લોકલ ટ્રેનોમાં પ્રવાસ માટે છ પ્રકારના છળ અજમાવાય છે

મુંબઈ લોકલ

ટ્રેનમાં પ્રવાસ કરવા ઇચ્છુક લોકો વિવિધ છ પ્રકારે ગેરરીતિ આચરતા હોવાનું રેલવેના ધ્યાન પર આવ્યું હતું. સેન્ટ્રલ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અને ટિકિટ ચેકિંગ સ્ટાફે ૧ ઑગસ્ટથી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન હાથ ધરેલી ઝુંબેશમાં ૪૯૧૧ કેસ પકડાયા હતા. છ પ્રકારના છળમાં મુખ્યત્વે બદલાયેલી ટિકિટો પર મુસાફરી, નકલી આઇડી કાર્ડ સાથે મુસાફરી, ટિકિટની રંગીન ફોટો-કોપી સાથે મુસાફરી, સિનિયર સિટિઝન ક્વૉટાનો દુરુપયોગ અને સિસ્ટમમાં જનરેટ કરેલી ટિકિટનું ઈ-ટિકિટમાં અયોગ્ય રૂપાંતર વગેરે હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

માત્ર લોકલ ટ્રેન નહીં પરંતુ બહારગામની ટ્રેનોમાં પણ આ પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવી હતી. રેલવેએ પકડેલા ૪૯૧૧ કેસ સામે ૨૨.૩૭ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આવશ્યક સેવાઓ માટેની વિશેષ ટ્રેનોમાં હવે મર્યાદિત શ્રેણીના લોકોને પ્રવાસની મંજૂરી આપવામાં આવે છે. આ શ્રેણીના લોકોએ તેમના સત્તાવાર આઇડી કાર્ડ સાથે જોડાયેલા ક્યુઆર કોડ આધારિત ઈ-પાસ ખરીદ કરવા જરૂરી હોય છે.

મહારાષ્ટ્ર સરકારની વિનંતી પર રેલવેએ આવશ્યક સેવાના સ્ટાફ માટે ૧૫ જૂનથી સ્પેશ્યલ લોકલ ટ્રેન સેવા શરૂ કરી હતી. પહેલી જુલાઈએ તેમાં આવશ્યક સેવાના સ્ટાફની થોડી વધુ શ્રેણીને ઉમેરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રેલવે ક્યુઆર કોડના સંપર્કરહિત ચેકિંગ અને સ્ટેશન સ્ટાફ અને જીઆરપીની મદદથી ફ્લોર માર્કિંગ દ્વારા લાઇનની જાળવણી કરીને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા સંભવ દરેક પગલાં લે છે.

mumbai mumbai news western railway central railway mumbai railways rajendra aklekar coronavirus