મુંબઈ : દિલ્હીની ચૂંટણી બાદ બીજેપીનું મહારાષ્ટ્રમાં ફરી ઑપરેશન લોટસ

08 February, 2020 07:36 AM IST  |  Mumbai

મુંબઈ : દિલ્હીની ચૂંટણી બાદ બીજેપીનું મહારાષ્ટ્રમાં ફરી ઑપરેશન લોટસ

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકારને ત્રણ જ મહિના થયા છે ત્યાં જ સત્તાધારી પક્ષો શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસમાં તાલમેલનો અભાવ વર્તાઈ રહ્યો છે. સરકાર બની ત્યારથી લગભગ દરરોજ કોઈને કોઈ બાબતે સત્તાધારી પક્ષોનો એકમત ન હોવાનું જણાય છે. આનો ફાયદો લઈને બીજેપી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીની સરકાર વિરુદ્ધ વ્યૂહરચના તૈયાર કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

બીજેપીનું હાઈકમાન્ડ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અત્યારે વ્યસ્ત છે. આથી દિલ્હીની ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં ફરી ‘ઑપરેશન લોટસ’ ફરી શરૂ થવાની માહિતી બહાર આવતા મહા વિકાસ આઘાડીમાં સામેલ પક્ષોની ઊંઘ હરામ થઈ છે.

મહા વિકાસ આઘાડીમાં સામેલ ત્રણેય પક્ષમાં અસ્વસ્થતા હોવાનું મનાય છે. જુદી જુદી વિચારસરણી ધરાવતા પક્ષોની આ સરકાર કેટલા દિવસ ટકશે એ કોઈ જાણતું ન હોવાથી બધા પોતાનું કામ લોકો સમક્ષ દેખાય એ માટેની ભાગદોડ કરી રહ્યા છે. આથી શ્રેય લેવાનું રાજકારણ શરૂ થયું છે. એનસીપી અને શિવસેના દ્વારા નજરે પડે એવું કામ થઈ રહ્યું હોવાથી કૉન્ગ્રેસ અસ્વસ્થ છે. એમાંથી એકમેકના સંબંધ વણસી રહ્યા છે.

આવી સ્થિતિનો ફાયદો ઉઠાવીને બીજેપીનું એક ગ્રુપ ‘ઑપરેશન લોટસ’ માટે પ્રયાસ કરી રહ્યું છે. એનસીપી અથવા શિવસેનામાંથી કોણ સરકારમાં સાથે આવી શકે એની શક્યતા પણ ચકાસાઈ રહી છે. બીજી તરફ બીજેપીના કેટલાક નેતાઓ એનસીપીને સાથે ન લાવવાનો મત ધરાવે છે. શિવસેનાને સરકારમાં સાથે લેવામાં અમને કોઈ પ્રોબ્લેમ ન હોવાની માહિતી બીજેપીના નેતા સુધીર મુનગંટીવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવી છે.

એનસીપીના પ્રવક્તા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે કહ્યું હતું કે બીજેપીના અનેક વિધાનસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાનો મહા વિકાસ આઘાડીના સંપર્કમાં છે. તેઓ પક્ષ છોડીને ન જાય, તેમની ધીરજ ખૂટે નહીં, તેની આશા કાયમ રહે એ માટે બીજેપી ફરી સત્તામાં આવવાની વાત ઉડાવે છે, એમાં જરાય તથ્ય નથી.

વિધાનસભાની ચૂંટણી સાથે લડ્યા હોવાથી શિવસેનાને સાથે લેવામાં કોઈ મુશ્કેલી નહીં થાય

- સુધીર મુનગંટીવાર

mumbai mumbai news devendra fadnavis bharatiya janata party