મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં 8 વર્ષમાં 8 કમિશનરની બદલી કરાઈ

17 February, 2020 08:00 AM IST  |  Mumbai

મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં 8 વર્ષમાં 8 કમિશનરની બદલી કરાઈ

શનિવારે મીરા-ભાઈંદર મહાનગર પાલિકામાં ચાર્જ લેનારા કમિશનર ચંદ્રકાંત કે. ડાંગે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં ૮ વર્ષમાં ૮ કમિશનર બદલવાનો રેકૉર્ડ બન્યો છે. અહીંના પાંચ ઉચ્ચ અધિકારીઓ વર્ષોથી ખુરસી પર ચીપકેલા છે, પરંતુ લગભગ દર વર્ષે કમિશનરની બદલી થઈ રહી છે. વારાફરતી બદલીથી પાલિકાનાં કામને ગંભીર અસર પહોંચી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાનીની મહાવિકાસ આઘાડી સરકારે તાજેતરમાં આઇએએસ ઑફિસરોની બદલી કરી હતી, એમાં મીરા-ભાઈંદરના કમિશનર બાલાજી ખતગાંવકરને સ્થાને ચંદ્રકાંત કે. ડાંગેની નિયુક્તિ કરવાનો નિર્ણય લેવાયો હતો. નવા કમિશનરે શનિવારે મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં ચાર્જ સંભાળ્યો હતો.

ખડગપુર આઇઆઇટીથી એમ. ટેકની ડિગ્રી ધરાવતા ડાંગે ૨૦૧૦ આઇએએસ બેચના ઑફિસર છે. તેમણે આદિવાસી વિકાસ સહિતના વિભાગ ઉપરાંત જળગાંવ મહાનગરપાલિકામાં કામ કર્યું છે. મીરા-ભાઈંદરમાં કમિશનર તરીકે નિયુક્ત કરાયા પહેલાં તેઓ રાજ્ય સરકારના જનરલ ઍડ્મિનિસ્ટ્રેશન વિભાગના સેક્રેટરી હતા.

મીરા-ભાઈંદરમાં અત્યારે બીજેપીની સત્તા છે અને શિવસેના વિરોધી પક્ષના પદે છે. આ બન્ને પક્ષની ખેંચતાણ વચ્ચે નવા કમિશનર ડાંગે સરખી રીતે કારભાર ચલાવી શકે છે કે તેઓ પણ અગાઉના કમિશનરોની જેમ નેતાઓના ઇશારે નાચે છે એ કહેવું અત્યારે મુશ્કેલ છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં દીપક ખાંબિત, ડૉ. સંભાજી પાનપટ્ટે, શિવાજી બારકુંડ, દિલીપ ઘેવારે અને સુરેશ વાકોડે જેવા અધિકારીઓ દાયકાથી વધુ સમયથી ખુરસી પર ચીપકેલા છે. કહે છે કે આ અધિકારીઓ જ પાલિકાનો કારભાર ચલાવે છે.

ઉલ્લેખનીય છે કે ૮ વર્ષમાં વિક્રમ કુમાર, સુરેશ કાકાણી, સુભાષ લાખે-પાટીલ, ડૉ. નરેશ ગીતે અને બાલાજી ખતગાંવકર વગેરેમાંથી કોઈ દોઢ વર્ષથી વધારે સમય મીરા-ભાઈંદરમાં કમિશનર તરીકે નથી રહ્યા. સ્થાનિક નેતાઓની પાલિકા પર પકડ હોવાથી તેમની પસંદગીનાં કામ કરવાની કોઈ આનાકાની કરે તો તેની બદલી કરી દેવાય છે.

mumbai mumbai news mira road bhayander brihanmumbai municipal corporation