મુંબઈ: બૅરિકેડ બાઇક પર પડ્યું હતું જેને કારણે આ અકસ્માત થયો

14 September, 2020 09:51 AM IST  |  Mumbai | Shirish Vaktania

મુંબઈ: બૅરિકેડ બાઇક પર પડ્યું હતું જેને કારણે આ અકસ્માત થયો

સીસીટીવી કૅમેરાનું ફુટેજ બતાવે છે કે બૅરિકેડ બાઇક પર પડ્યું હતું જેને કારણે આ અકસ્માત થયો હતો.

ગયા શનિવારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંદિવલી પાસે થયેલા અકસ્માતમાં બે બાઇકસવારમાંથી ૨૮ વર્ષનો મનોજ પવાર મૃત્યુ પામ્યો હતો અને ૨૬ વર્ષનો પ્રશાંત આંબેકર ગંભીર ઈજા પામતાં તેને શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રશાંત અને બાઇક પર તેની પાછળ બેઠેલો મનોજ જે ટ્રક નીચે કચડાયા એ ટ્રકના ડ્રાઇવર બબલુ યાદવની સમતાનગર પોલીસે ધરપકડ કરી હતી. બબલુ યાદવને ગઈ કાલે અદાલતે જામીન પર છોડ્યો હતો.

જોકે મનોજ અને પ્રશાંતના કુટુંબીજનો અકસ્માત માટે ટ્રક-ડ્રાઇવરને નહીં, પણ રસ્તા પર ખોટી રીતે બૅરિકેડ ગોઠવનાર કૉન્ટ્રૅક્ટરને દોષી માને છે. બન્ને યુવાનોના કુટુંબીજનો અને સામાજિક કાર્યકરો માને છે કે એમએમઆરડીએનું બૅરિકેડ બાઇક પર પડવાને કારણે અકસ્માત થયો હતો, પરંતુ એમએમઆરડીએનો દાવો છે કે એ બૅરિકેડ સબવેનું કામ શરૂ કરવાની તૈયારીરૂપે કૉન્ટ્રૅક્ટરે મૂક્યું હતું.

મનોજ પવારના પિતા કાશીરામે જણાવ્યું હતું કે ‘મારો દીકરો બાઇકનો સ્પેરપાર્ટ લેવા બોરીવલી ગયો હતો. ત્યાંથી પાછો આવતી વખતે પ્રશાંત બાઇક ચલાવતો હતો અને મનોજ પાછળ બેઠો હતો. હાઇવે પરનું બૅરિકેડ અચાનક બાઇક પર પડ્યું હતું અને એમાં મનોજ ટ્રક નીચે કચડાઈ ગયો હતો. આ ઘટનામાં ટ્રક-ડ્રાઇવર નિર્દોષ છે. બૅરિકેડ મૂકનાર કૉન્ટ્રૅક્ટર દોષી છે. આખી ઘટના રોડ પરના સીસીટીવી કૅમેરામાં રેકૉર્ડેડ છે. કોઈ પણ માર્ગ પર બૅરિકેડ્સ ગોઠવતાં પહેલાં અકસ્માત થવાની કે કોઈને નડતરરૂપ બનવાની શક્યતા છે કે નહીં એની તકેદારી રાખવી જોઇએ.’

પ્રશાંતના મિત્ર સતીશકુમારે જણાવ્યું હતું કે ‘ટ્રક-ડ્રાઇવરનો દોષ નથી. અકસ્માત માટે કૉન્ટ્રૅક્ટર અને તેના કર્મચારીઓ જવાબદાર છે.’

shirish vaktania western express highway kandivli shatabdi hospital mumbai news