મુંબઈ : મલબાર હિલ પર કુદરતી ઑક્સિજન હબ

18 February, 2020 07:55 AM IST  |  Mumbai | Hemal Ashar

મુંબઈ : મલબાર હિલ પર કુદરતી ઑક્સિજન હબ

મલબાર હિલ પર આવેલા હૅન્ગિંગ ગાર્ડનને ઑક્સિજન હબ બનાવવામાં આવશે

મલબાર હિલ પર આવેલા હૅન્ગિંગ ગાર્ડનના એક ખૂણે એક જર્જરિત બાવડી છે, જેમાં ફેરફાર કરીને એને મુંબઈગરાઓ માટે ઑક્સિજન હબ તરીકે વિકસાવવામાં આવશે. ફ્રી એન્ટ્રી ધરાવતા આ ગ્રીન ઝોનમાં અલોવેરા અને પીસ લીલી સહિતના પ્લાન્ટ્સ હશે, જે માત્ર દિવસે જ નહીં, રાતે પણ ઑક્સિજન ઉત્પન્ન કરશે.

મુંબઈગરાઓ માટે તૈયાર કરવામાં આવેલું આ બીજું ઑક્સિજન હબ છે. દિવસે તો સૂર્યપ્રકાશની મદદથી છોડ અને ઝાડ ફોટોસિન્થેસિસની પ્રક્રિયાની મદદથી ઑક્સિજન ઉત્પન્ન કરે છે, પણ કેટલાક એવા પણ છોડ છે જે રાતે પણ ઑક્સિજનનું નિર્માણ કરે છે.

મલબાર હિલ રિઝર્વોયર ગાર્ડનના હૉર્ટિકલ્ચર અસિસ્ટન્ટ સાગર દોઇફોડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લગભગ બે મહિના પહેલાં મને ઑક્સિજન હબ તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો. મેં અને મારી ટીમે કુલ ૧૦૦ જેટલા છોડવા એકઠા કર્યા જેમાંથી માત્ર બે જ છોડ બહારથી લાવવામાં આવ્યા અને બાકીના અમારી નર્સરીમાંથી જ મેળવવામાં આવ્યા હતા.’

‘મિડ-ડે’ના રિપોર્ટરે હબની મુલાકાત લીધી તો પ્રવેશદ્વાર પર જ પ્રત્યેક છોડના નામ સાથે એના મહત્ત્વનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. દોઇફોડેના મતે આ વિસ્તારમાં ઘરના પ્રત્યેક સભ્ય પાસે પોતાની કાર હોય છે, જે જોતાં આ વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ ઘણું ઊંચું હોવાનું મનાય છે. આથી જ આ વિસ્તારમાં ઑક્સિજન હબની વિશેષ આવશ્યકતા છે.

malabar hill brihanmumbai municipal corporation mumbai news ms hemal ashar