મુંબઈઃ લોકલ ટ્રેન શરૂ કરવા માટે વિરારમાં પ્રવાસીઓની ધમાલ

08 September, 2020 09:01 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈઃ લોકલ ટ્રેન શરૂ કરવા માટે વિરારમાં પ્રવાસીઓની ધમાલ

‌વિરાર રેલવે સ્ટેશન પાસે ટ્રેન શરૂ કરવાની માગણી સાથે પ્રવાસીઓ દ્વારા ‌વિરોધ પ્રદર્શન કરાયું હતું.

કોરોનાને લીધે લાંબા સમયથી લોકલ ટ્રેનો બંધ હોવાથી લોકોની ધીરજ હવે ખૂટી ગઈ છે. મુંબઈ અનલૉક થયા બાદ કામકાજ શરૂ થયાં છે, પણ લોકલ ટ્રેન ચાલુ નથી થઈ એટલે પ્રવાસમાં મુશ્કેલી થઈ રહી છે. ગઈ કાલે સવારે વિરારમાં લોકલ ટ્રેન શરૂ કરવાની માગણી સાથે મોટી સંખ્યામાં લોકોનો રોષ ભભૂક્યો હતો.

‌વિરાર-ઈસ્ટમાં રહેતા અને પ્રાઇવેટ કાર્યાલયમાં કામ કરતા પ્રસન્નજિતે કહ્યું કે ‘મુંબઈ-અમદાવાદ હાઇવે પર એટલો ટ્રા‌ફિક જૅમ હોય છે કે દરરોજ ઑ‌ફિસે જવા-આવવા માટે લગભગ ચાર કલાક લાગી જાય છે. પીક-અવર્સમાં તો હાલત ખરાબ થાય છે. સિનિયર સિટિઝન કે તબિયત સારી ન હોય એવા લોકો લાંબો સમય બાય રોડ પ્રવાસ કરી જ શકતા નથી. અનેક વખત ટ્રા‌ફિક જૅમને કારણે અમે વસઈથી પાછા ‌રિટર્ન આવ્યા છીએ. ઑ‌ફિસ પહોંચવા ઘણા જલદી નીકળીએ પણ સમયસર પહોંચાતું જ નથી જેથી ઑ‌ફિસમાં અમારે સાંભળવું પડે છે. બસ માટે કલાકો પહેલાં લાઇન લગાડીને ઊભા રહેવું પડે છે. સોશ્યલ ડિસ્ટિન્સિંગનો ‌નિયમ ક્યાંય જોવા મળતો નથી‌.’

ગઈ કાલે સવારે ભારે ટ્રા‌ફિક જૅમને કારણે MSRTCની બસ ‌વિરાર બસ ડેપો પર સમયસર પહોંચી નહોતી. દરરોજ આવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાથી લોકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો એથી લોકો ‌વિરાર રેલવે-સ્ટેશન પાસે ‌વિરોધ દર્શાવવા ઊમટ્યા હતા. રેલવે પ્રોટેક્શન ફોર્સ, ગવર્નમેન્ટ રેલવે પોલીસ અને ‌વિરાર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રવાસીઓ મુંબઈ જવા માટે ટ્રેનની માગણી કરીને ‌વિરોધ દાખવી રહ્યા હતા, પણ આખરે પોલીસે તેમને સમજાવીને શાંત પાડતાં મામલો થાળે પડ્યો હતો.

mumbai mumbai news virar western railway indian railways mumbai local train