બિલ્ડિંગમાંથી બે બાળકોને બચાવીને શબ્બીર કુરેશી પાછો તો ગયો, પણ....

22 September, 2020 07:41 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

બિલ્ડિંગમાંથી બે બાળકોને બચાવીને શબ્બીર કુરેશી પાછો તો ગયો, પણ....

બે બાળકોને બચાવી લેનાર શબ્બીર

ભિવંડીના નારપોલીના ધામણકર નાકા પાસેના પટેલ કમ્પાઉન્ડમાં આવેલી ૪૩ વર્ષ જૂની ત્રણ માળની જિલાની ઇમારત ગઈ કાલે પરોઢિયે ૩.૩૦ વાગ્યે તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં કાટમાળની નીચે અનેક જણ દબાઈ ગયા. અનેક લોકોએ અંદર જ દમ તોડ્યો અને બીજા ઘણા બચી ગયા, પણ એમાં શબ્બીર કુરેશીનો અડધો પરિવાર બચ્યો અને બાકીનાનો પત્તો નથી. ચાર બાળકો અને પત્ની સાથે રહેતા શબ્બીર કુરેશીએ કહ્યું કે ‘અંદાજે ૩.૧૫ વાગ્યે હું અચાનક ઊંઘમાંથી જાગી ગયો હતો. મને લાગ્યું કે બિલ્ડિંગ ધ્રૂજી રહ્યું છે. એટલામાં જ ભીંતમાં તિરાડ પડવાનો અવાજ મેં સાંભળ્યો. મેં એ જોયું એટલે તરત જ ચેતીને હું મારાં બે બાળકોને ઉપાડીને મકાનની બહાર દોડી ગયો હતો. ત્યાર બાદ હું ફરી પાછો બે બાળકો અને પત્નીને લેવા ગયો હતો. એ વખતે મારી પત્ની ઘરને તાળું મારવામાં રહી અને એ જ વખતે મકાન તૂટી પડ્યું.’

બિલ્ડિંગ નીચેથી બચાવીને હૉસ્પિટલમાં લઈ જવાઈ રહેલો ઈજાગ્રસ્ત

મકાન તૂટી પડ્યુ એમાં શબ્બીર, તેની પત્ની અને બે બાળકો કાટમાળ હેઠળ સપડાઈ ગયાં હતાં. શબ્બીરના શરીર પર એક જાળી પડી હતી એથી તે બચી ગયો હતો. જોકે જીવ બચાવવા તેણે થોડું જોર લગાવીને જાળી હટાવીને જેમ તેમ બહાર આવવાનો પ્રયાસ કર્યો હતો અને થોડો બહાર નીકળ્યા બાદ અન્ય બચાવકાર્ય કરનાર લોકોએ તેને બહાર ખેંચી કાઢ્યો હતો. જોકે તેની પત્ની અને બે બાળકો કાટમાળ હેઠળ જ ફસાયેલાં હતાં.

mumbai mumbai news bhiwandi