મુંબઈ: મહાનગરપાલિકા માટે નવા વર્ષમાં નવો પડકાર

01 January, 2021 06:43 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ: મહાનગરપાલિકા માટે નવા વર્ષમાં નવો પડકાર

મુંબઈ પ્રોપર્ટી

કોરોના વાઇરસના રોગચાળા ઉપરાંત વધુ એક પડકાર મુંબઈ મહાનગરપાલિકા સમક્ષ વિકરાળ રૂપ ધારણ કરીને ઊભો છે. કરવેરા ઘટાડીને જીએસટી દાખલ કરાયા પછી મુંબઈ મહાનગરપાલિકા માટે આવકનાં સાધનો બાબતે સંઘર્ષ સમાન સ્થિતિ ઉપસ્થિત થઈ હતી. પાલિકા માટે પ્રૉપર્ટી-ટૅક્સ મહત્ત્વનું સાધન ગણાય છે, પરંતુ કોરોના રોગચાળા દરમ્યાન પ્રૉપર્ટી-ટૅક્સ વસૂલ કરવાની વ્યવસ્થા પણ મંદ પડી હતી. પ્રૉપર્ટી-ટૅક્સની વસૂલાતમાં નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના ટાર્ગેટમાંથી માંડ ૧૧ ટકા ૨૫ ડિસેમ્બર સુધીમાં વસૂલ કરી શકાયા હોવાનું પાલિકાનાં સૂત્રોએ જણાવ્યું હતું.

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં પ્ર‍ૉપર્ટી-ટૅક્સ રૂપે ૬૭૬૮ કરોડ રૂપિયા (કુલ આવકના ૨૪ ટકા) વસૂલ કરવાનું લક્ષ્ય મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ધારિત કર્યું હતું, પરંતુ ૨૫ ડિસેમ્બર સુધીમાં ફક્ત ૭૨૭ કરોડ રૂપિયા વસૂલ કરી શકાયા છે. ૨૦૧૯ની ૧૩ ડિસેમ્બર સુધીમાં ૧૬૩૭ કરોડ રૂપિયા અને ૨૦૧૮ના ડિસેમ્બરના અંત સુધીમાં ૨૪૯૫ કરોડ રૂપિયા પ્રૉપર્ટી-ટૅક્સ રૂપે વસૂલ કરી શકાયા હતા. મુંબઈ મહાનગરપાલિકા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં મોટા ભાગનો પ્રૉપર્ટી-ટૅક્સ વસૂલ કરે છે. પરંતુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના ૫૦૧૬ કરોડ રૂપિયાના લક્ષ્યાંકમાંથી ૨૦૨૦ના માર્ચ મહિનાના ઉત્તરાર્ધમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યાર સુધીમાં પ્રૉપર્ટી-ટૅક્સ રૂપે ૪૨૭૮ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.

mumbai mumbai news brihanmumbai municipal corporation prajakta kasale