કસ્ટમ ડ્યૂટી ભરવામાંથી છટકેલા મુંબઇના હીરાના વેપારીની 23 વર્ષે ધરપકડ થઇ

17 July, 2020 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કસ્ટમ ડ્યૂટી ભરવામાંથી છટકેલા મુંબઇના હીરાના વેપારીની 23 વર્ષે ધરપકડ થઇ

પ્રતીકાત્મક તસવીર

53 વર્ષનાં એક હીરાના વ્યાપારીની સાઉથ મુંબઇમાંથી ધરપકડ થઇ છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ -1એ જેની ધરપકડ કરી છે તે વૉન્ટેડ વ્યાપારીની શોધ છેલ્લા 23 વર્ષથી ચાલી રહી હતી. તેણે 130 કરોડના કન્સાઇનમેન્ટ પર કસ્ટમ ડ્યૂટી નહોતી ભરી અને તે વૉન્ટેડ હતો.

મુંબઇ મિરરમાં આવેલા એક રિપોર્ટ અનુસાર હરીશ ભાવસાર ઉર્ફે હરીકૃષ્ણ ભાવસાર ઉર્ફ બૉબી નામનો આ માણસ શારદા ડાઇમંડનો માલિક છે. પોલીસે જણાવ્યું કે તે હોંગકોંગથી હીરા મંગાવતો હતો. 1997માં તેને કન્ઝરવેશન ઑફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઑફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ એટલે કે COFEPOSA હેઠળ આરોપી જાહેર કરાયો હતો. આ એક્ટ હવે તો અમલમાં નથી પણ ત્યારે તે કસ્ટમ ડ્યૂટી ન ભરવા બદલ ગુનાહિત જાહેર થયો હતો અને તેણે ખોટા દસ્તાવેજો પણ આપ્યા હતા. નાણા મંત્રાલયના રેવન્યુ વિભાગે તેની ધરપકડ કરવા આદેશ જાહેર કર્યો હતો પણ તે ત્યારથી ભાગેડુ જ હતો અને પોલીસના હાથમાં નહોતો આવતો. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને આ કેસ પર નજર રાખવા કહેવાયું હતું અને તેમને હમણાં જ ભાળ મળી કે આ માણસ ગિરગાંવમાં છુપાઇને રહી રહ્યો છે. પોલીસ ઑફિસર અનુસાર ભાવસાર દિલ્હી અને મુંબઇ એમ બે શહેરો વચ્ચે રહી રહ્યો હતો અને તેણે 1997થી સતત પોતાના નામો બદલ્યાં છે. પોલીસ ખાતાની આર્થિક ગુના કરનાર વિભાગે પણ તેની સામે બિલ્ડર સાથેની છેતરપિંડીના કેસ કર્યા છે. હાલમા તે આગામી પ્રક્રિયાઓ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો છે.

Crime News crime branch south mumbai mumbai