પાલઘર મૉબ-લિન્ચિંગ કેસમાં વધુ 18ની ધરપકડ

13 May, 2020 06:52 AM IST  |  Mumbai | Agencies

પાલઘર મૉબ-લિન્ચિંગ કેસમાં વધુ 18ની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર પોલીસ દળના સીઆઇડીએ પાલઘર મૉબ-લિન્ચિંગ કેસમાં વધુ ૧૮ જણની ધરપકડ કરતાં કુલ આરોપીઓની સંખ્યા ૧૩૪ પર પહોંચી છે. ગયા મહિને પાલઘર જિલ્લામાં બે સાધુ અને તેમનો ડ્રાઇવર મળી કુલ ત્રણ જણને લોકોના ટોળાએ એકસાથે હુમલો કરીને રહેંસી નાખ્યા હતા. ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી) દ્વારા હાલમાં એ કેસની તપાસ ચાલી રહી છે. એ પહેલાં સ્થાનિક પાલઘર પોલીસે કેસની તપાસ કરીને ૧૧૦ જણની ધરપકડ કરી હતી જેમાં ૯ આરોપી સગીર વયના હતા. એ પછી કેસ સીઆઇડીને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સીઆઇડીએ વધુ તપાસ કરીને ૨૪ આરોપીઓને ઝડપી લીધા હતા. એક ઑફિસરે જણાવ્યા મુજબ આ ૨૪ જણે એ હુમલો કરવામાં સક્રિય ભાગ ભજવ્યો હતો. 

મૉબ-લિન્ચિંગની આ ઘટના ૧૬ એપ્રિલે બની હતી. બે સાધુ સુરતમાં થયેલા એક નિધનમાં હાજરી આપવા કારમાં ડ્રાઇવર સાથે જઈ રહ્યા હતા ત્યારે ગડચિંચલે ગામ પાસે તેમના પર હુમલો થયો હતો. ગામવાળાઓ એવું સમજ્યા હતા કે એ લોકો બાળકો ઉઠાવી જનારા લોકો છે. તેમણે હુમલો કરીને બન્ને સાધુ અને ડ્રાઇવરને બેરહેમીથી માર મારતાં તેઓ ત્રણે જણ મૃત્યુ પામ્યા હતા. એ હુમલા પછી કેટલાક હુમલાખોરો ગામ નજીકના જંગલમાં નાસી ગયા હતા. તેમને ઝડપી લેવા પોલીસે ડ્રોનની મદદ લીધી હતી. પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપીને કોરોના થયો હોવાનું જણાતાં તેને ક્વૉરન્ટીન કરીને સારવાર અપાઈ રહી છે.

mumbai mumbai news palghar Crime News mumbai crime news