ગેરકાયદે બાંધકામ મામલે : આજે મીરા-ભાઈંદરના 13 નગરસેવકની સુનાવણી

15 February, 2020 07:49 AM IST  |  Mumbai

ગેરકાયદે બાંધકામ મામલે : આજે મીરા-ભાઈંદરના 13 નગરસેવકની સુનાવણી

બીએમસી

મીરા-ભાઈંદર શહેરમાં ગેરકાયદે બાંધકામ માટે સીધી કે આડકતરી તરીકે જવાબદાર હોવાની ફરિયાદો મળતાં આજે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનરે અહીંના ૧૩ નગરસેવકની સુનાવણી રાખી છે.

ચોંકાવનારી વાત એ છે કે આમાં સત્તાધારી બીજેપીના મેયર, ડેપ્યુટી મેયર સહિત ૧૨ નગરસેવક છે, જ્યારે બીજેપીને સમર્થન આપતી શિવસેનાની એક નગરસેવિકાનો પણ આમાં સમાવેશ છે.

મેયર ડિમ્પલ મહેતા, ડેપ્યુટી મેયર ચંદ્રકાંત વૈતી, પ્રશાંત દળવી, દીપિકા અરોરા, હેમા બેલાની, આનંદ માંજરેકર, ધ્રુવકિશોર પાટીલ અને સુરેશ ખંડેલવાલ વગેરે સાત નગરસેવક સામે મીરા રોડના શાંતિ પાર્કમાં આરક્ષિત પ્લૉટમાં કબજો જમાવીને ગેરકાયદે બંધાયેલી બે હવેલી અને રાજકીય પક્ષોની બે ઑફિસો સહિતનાં બાંધકામ સામેની કાર્યવાહી અટકાવવાનો આરોપ છે. આવા અન્ય નગરસેવકોમાં પરશુરામ મ્હાત્રે, નીલા સોન્સ અને વિજય રાય છે.

મહાનગરપાલિકા કમિશનર આ તમામ નગરસેવકો સામે મળેલી ફરિયાદની આજે (૧૫ ફેબ્રુઆરીએ) ચકાસણી કરશે. મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કૉર્પોરેશન્સ ઍક્ટ મુજબ નગરસેવકો, તેમના જીવનસાથી કે તેમના પર આધારિત હોય એ ગેરકાયદે બાંધકામમાં સંડોવાયેલા હોય અથવા તેઓ અનધિકૃત બાંધકામને શરણ આપતા હોય તો તેમને નગરસેવક પદથી બરખાસ્ત કરી શકાય છે.

પાલિકા કમિશનર મળેલી ફરિયાદોની માહિતી ચકાસીને નગરસેવકોને બરખાસ્ત કરવાની સ્મૉલ કોઝ કોર્ટમાં અરજી દાખલ કરવાની તૈયારી આરંભી શકે છે. જોકે કોઈ શંકા હોય તો કોર્ટમાં જતાં પહેલાં સંબંધિત નગરસેવકો સામે કાર્યવાહી આગળ વધારવા જનરલ બોડીની મંજૂરી મેળવવાની રહે છે. આ બોડી પગલાં લેવાની મંજૂરી ન આપે તો આગળની કાર્યવાહી નથી થતી. નોંધનીય બાબત એ છે કે જનરલ બોડી બેઠકમાં મોટેભાગે નગરસેવકો સામે પગલાં લેવાની કાર્યવાહી આગળ ન વધે એવો નિર્ણય લેવાય છે. આથી નગરસેવકોને આવી સુનાવણીથી કોઈ મુશ્કેલી આવે એવી શક્યતા નથી, પરંતુ તેઓ જનતા સામે ઉઘાડા પડી જાય છે.

mumbai mumbai news mira road bhayander brihanmumbai municipal corporation