મુંબઈગરાઓને ન્યુ યર પર દિલ્હી ગેન્ગરેપને કારણે ઝટકો

27 December, 2012 04:14 AM IST  | 

મુંબઈગરાઓને ન્યુ યર પર દિલ્હી ગેન્ગરેપને કારણે ઝટકો



રવિકિરણ દેશમુખ

મુંબઈ, તા. ૨૭

છેલ્લા એક દશકાથી શહેરમાં જે રીતે ૨૪ તથા ૨૫ ડિસેમ્બરની ઉજવણી થતી હતી એવી આ વખતે જોવા નહોતી મળી. પોતાના નિયત સમયે વાઇન-શૉપ, રેસ્ટોરાં તથા બાર બંધ થઈ ગયાં હતાં. પરિણામે પાર્ટી કરવા માગતા લોકો નિરાશ થઈ ગયા હતા. દિલ્હીમાં થયેલા ગૅન્ગ-રેપને પરિણામે લોકોના ફાટી નીકળેલા રોષને જોઈને આવી કોઈ ઘટના અહીં બને એવું પોલીસ ઇચ્છતી નહોતી.

મોડી રાત સુધી દારૂ આપી શકાય એવી પરવાનગી સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પણ આપી હતી. એમ છતાં સમય લંબાવવાની તમામ વિનંતી પોલીસ ડિપાર્ટમેન્ટે નકારી કાઢી હતી, કારણ કે આ મામલે તેમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. દિલ્હીમાં ચાલુ બસમાં થયેલા સામૂહિક બળાત્કારની ઘટનાને પરિણામે જાગેલા લોકોના રોષની લાગણીની જે પ્રતિક્રિયા ઇન્ડિયા ગેટ પર જોવા મળી હતી એવા કોઈ બનાવો દેશમાં બીજે ન બને એની તકેદારીનાં પગલાંરૂપે આ સૂચનાઓ હતી, કારણ કે છેડતીની કોઈ સામાન્ય ઘટના બને તો અહીં પણ વિરોધ-પ્રદર્શનની શક્યતાને નકારી શકાય એમ નહોતું. અગાઉ પાર્ટી-ટાઇમ જોતાં ૨૪ તથા ૨૫ ડિસેમ્બરે નિયમો હળવા કરવાની યોજના હતી, કારણ કે આ સમયગાળા દરમ્યાન ઘણી હાઉસિંગ સોસાયટીઓ તથા ઑફિસો દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે.

ન્યુ યરની ઉજવણી દરમ્યાન સમયમર્યાદા લંબાવવામાં આવી છે, કારણ કે આ દિવસે લોકો ઉજવણી કરતા હોય છે એટલે હોમ ડિપાર્ટમેન્ટ લોકોના ગુસ્સાનો ભોગ બનવા નથી માગતો. ૨૪ તથા ૨૫ ડિસેમ્બરે સામાન્ય દિવસોની જેમ જ વાઇન-શૉપ, રેસ્ટોરાં તથા બારનાં શટર ડાઉન કરાવવામાં આવ્યાં હતાં. પરિણામે સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ચિંતામાં પડી ગયા હતા, કારણ કે આ દિવસો દરમ્યાન જ તેઓ સૌથી વધુ આવકની અપેક્ષા રાખતા હોય છે. આ મુદ્દે હોમ મિનિસ્ટર આર. આર. પાટીલે કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવાનું ટાળતાં કહ્યું હતું કે કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવો ન બને એ માટે પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે.