થર્ટીફર્સ્ટની ઉજવણી માટેનો બીજો વિકલ્પ તૈયાર રાખજો

17 December, 2012 04:59 AM IST  | 

થર્ટીફર્સ્ટની ઉજવણી માટેનો બીજો વિકલ્પ તૈયાર રાખજો



નવા વર્ષની ઉજવણી માટે જેમણે જોરદાર તૈયારીઓ કરી હશે તેવા તમામ લોકોએ પોતાનો બીજો વિકલ્પ શોધી રાખવો પડશે, કારણ કે શહેરના હોટેલિયર્સને ૩૧ ડિસેમ્બરે રાતભર મ્યુઝિક વગાડવા માટેની પરમિશન હજી સુધી પોલીસ-ડિપાર્ટમેન્ટે નથી આપી. દર વર્ષે પાર્ટીના આયોજકોએ નવા વર્ષે વહેલી સવાર સુધી મ્યુઝિક વગાડવા માટે શહેર પોલીસ પાસેથી વિશેષ પરવાનગી લેવાની હોય છે.

ગયા વર્ષે પોલીસ-ડિપાર્ટમેન્ટની સોશ્યલ બ્રાન્ચે મોડી રાત સુધી મ્યુઝિક વગાડવાની પરવાનગી છેલ્લી ઘડીએ રદ કરી નાખી હતી, પરંતુ બાર તથા હોટેલોને સવારે પાંચ વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની પરવાનગી આપી હતી.  આ વખતે હોટેલિયરોએ રાતે ત્રણ વાગ્યા સુધી બાર તથા હોટેલો ખુલ્લી રાખવાની તથા મ્યુઝિક વગાડવા દેવાની પરવાનગી માગી છે.

ગયા વર્ષે હાઈ ર્કોટે હોટેલોને સવારે પાંચ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપી હતી, પરંતુ એમાં કયા પ્રકારની હોટેલો ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે એની કોઈ સ્પષ્ટતા નહોતી કરવામાં આવી. ઑર્કેસ્ટ્રા બાર ઓનર્સ અસોસિએશન મ્યુઝિક માટેની ડેડલાઇન વધારીને સવારે પાંચ વાગ્યા સુધી કરવાને મામલે હાઈ ર્કોટમાં ગયું હતું એમ છતાં તેમને મંજૂરી નહોતી મળી. પરિણામે છેલ્લી ઘડીએ ઘણા આયોજકોએ પોતાના કાર્યક્રમ રદ કરવા પડ્યા હતા. એથી આ વર્ષે હોટેલ અસોસિએશન દ્વારા મુખ્ય પ્રધાનને મળીને રજૂઆત કરવામાં આવી છે એથી આ વર્ષે તેમને થોડી રાહત મળે એવી આશા છે.