આજથી નવી ટ્રેનો, પણ સગવડને બદલે અગવડ વધારે

25 December, 2012 06:12 AM IST  | 

આજથી નવી ટ્રેનો, પણ સગવડને બદલે અગવડ વધારે



આજથી વેસ્ટર્ન રેલવેમાં દોડાવવામાં આવનારી ૧૨ ડબ્બાની નવી ટ્રેનોમાં પૅસેન્જરો માટે બેસવાની જગ્યામાં છ ટકા જેટલો વધારો થવાનો છે, સીટોની સંખ્યા પણ ૧૧૭૪થી વધીને ૧૨૪૨ થવાની છે; પણ આ ટ્રેન પૅસેન્જરોની સગવડ વધારવાને બદલે અગવડ વધારે એવી હોવાની ધારણા છે.

આ ટ્રેનોમાં લેડીઝ કમ્પાર્ટમેન્ટમાંથી લગેજનો ડબ્બો કાઢી નાખવામાં આવ્યો છે અને એ બાજુના જનરલ ડબ્બામાં સામેલ કરવામાં આવ્યો છે. લેડીઝ ડબ્બામાં હાલ ત્રણ દરવાજા હોય છે એને બદલે એમાંથી વચ્ચેનો દરવાજો કાઢી નાખવામાં આવ્યો છે અને બે દરવાજા જ રાખવામાં આવ્યા છે. એને કારણે મહિલાઓને પીક-અવર્સમાં ચડવા-ઊતરવામાં તકલીફ પડશે. આ સિવાય ડબ્બામાં પણ જગ્યા ઓછી કરી નાખવામાં આવી છે.

આ ટ્રેનો ૨૫,૦૦૦ વૉલ્ટના ઑલ્ટરનેટિંગ કરન્ટ (એસી) પર દોડવાની છે, પરંતુ એ ૧૦૦ નહીં પણ વધુમાં વધુ ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ દોડાવી શકાશે. આમ એમાં પ્રવાસનો સમય પણ વધી જશે. આ એક ટ્રેન ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરીમાં ૨૪ કરોડ રૂપિયામાં બની છે અને ત્રણ ટ્રેનો મુંબઈ આવી ગઈ છે. ૨૦૧૩ના જાન્યુઆરી મહિનાથી વેસ્ટર્ન રેલવે વધુ આવી ત્રણ ટ્રેન મેળવવાની છે. વેસ્ટર્ન રેલવે આવી ૧૦ રૅક લેવાની છે. હાલમાં દોડતી ટ્રેનો ૧૫૦૦ વૉલ્ટના ડાયરેક્ટ કરન્ટ (ડીસી) અને ૨૫,૦૦૦ એસી એમ બન્ને પર દોડે છે. માત્ર એસી પાવર સિસ્ટમ પર ટ્રેનોને દોડાવવા માટે એમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે અને આ માટે ઘણો ખર્ચ પણ કરવામાં આવ્યો છે.

વેસ્ટર્ન રેલવેના જનરલ મૅનેજર મહેશ કુમારે કહ્યું હતું કે ‘આ ટ્રેનમાં પ્રવાસ કરવાનો કેવો અનુભવ થાય છે એ વિશે રેલવેએ મહિલા પ્રવાસીઓનાં મંતવ્યો પણ મગાવ્યાં છે. આ માટે ૯૦૦૪૪૭૭૭૭૭ નંબર પર SMS મોકલવાના રહેશે. જો અમને સાત દિવસમાં ૫૦,૦૦૦ SMS મળશે તો અમે એ મુજબ ફેરફાર કરીશું’.

SMS = શૉર્ટ મેસેજિંગ સર્વિસ