મુંબઈ: કે.જી.થી બારમા ધોરણ સુધી ઑનલાઇન અભ્યાસની નવી ગાઇડલાઈન

24 July, 2020 11:35 AM IST  |  Mumbai | Agencies

મુંબઈ: કે.જી.થી બારમા ધોરણ સુધી ઑનલાઇન અભ્યાસની નવી ગાઇડલાઈન

પ્રતીકાત્મક તસવીર

કોવિડ મહામારીને પગલે મહારાષ્ટ્ર સરકારે પ્રીપ્રાઇમરી વિદ્યાર્થીઓ તથા પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓ માટે સપ્તાહમાં પાંચ દિવસ રોજ ૩૦ મિનિટના સેશનના ઑનલાઇન વર્ગો ચલાવવાની પરવાનગી આપી છે. તાજેતરના આદેશમાં રાજ્ય સરકારે સ્કૂલોને પ્રીપ્રાઇમરીથી લઈને ધોરણ-૧૨ સુધીના તમામ વર્ગો માટે ઑનલાઇન સેશન્સ હાથ ધરવા જણાવ્યું છે. એ અનુસાર પ્રીપ્રાઇમરી વર્ગો સોમવારથી શુક્રવાર રોજ ૩૦ મિનિટ સુધી હાથ ધરવામાં આવશે, જેમાં શિક્ષકો વિદ્યાર્થીઓનાં માતા-પિતા સાથે વાત કરશે અને તેમને માર્ગદર્શન પૂરું પાડશે. પહેલા અને બીજા ધોરણમાં કુલ ૩૦ મિનિટનાં બે સેશન હશે.૧૫ મિનિટનું પ્રથમ સેશન માતા-પિતા સાથે વાતચીત માટે અને તેમને તાલીમ પૂરી પાડવા અને બીજું વિદ્યાર્થીઓ માટે પ્રવૃત્તિ-આધારિત શિક્ષણનું રહેશે.ત્રીજાથી આઠમા ધોરણ માટે ૪૫ મિનિટનું એક એવાં બે સેશન્સ રોજ રહેશે, જ્યારે નવથી બારમા ધોરણ માટે ૪૫ મિનિટનાં ચાર સેશન્સ રોજ રહેશે.

ફી મામલે રજૂઆત કરવા ગયેલા પેરન્ટ્સને દહિસરની પૂર્ણપ્રજ્ઞા સ્કૂલે સાંભળ્યા જ નહીં

દહિસર-ઈસ્ટની પૂર્ણપ્રજ્ઞા સ્કૂલના સિનિયર કેજીમાંથી પાસ થઈને પહેલા ધોરણમાં જનારા વિદ્યાર્થીઓને હાલમાં લૉકડાઉન હોવાથી ફી ભરવા બાબતે સોમવારે વાલીઓએ સ્કૂલ-પરિસરમાં ભેગા થઈ સ્કૂલ-મૅનેજમેન્ટને રજૂઆત કરી હતી. એ વખતે સ્કૂલ-મૅનેજમેન્ટ તરફથી એમ કહેવાયું હતું કે તમારો ફી ભરવા સહિત જે કઈ પણ ઇશ્યુ છે એ અમને તમારી અરજીમાં લખી ગુરુવાર સુધી આપો. અમે એ બાબતે મૅનેજમેન્ટ કમિટીમાં ચર્ચા કરી શું કરી શકાય એ તમને જણાવીશું.

ગઈ કાલે જ્યારે વાલીઓ સ્કૂલ પહોંચ્યા ત્યારે ત્યાં તાળું મારી દેવાયું હતું અને તેમને સિક્યૉરિટી ગાર્ડ દ્વારા કહેવાયું હતું કે સ્કૂલના મોટા ભાગના સ્ટાફની તબિયત સારી નથી એથી સ્કૂલ ૩૧ જુલાઈ સુધી કમ્પ્લીટ બંધ રહેશે. વાલીઓએ કહ્યું કે આજે અમને ઍપ્લિકેશન સાથે બોલાવ્યા હતા ત્યારે સિક્યૉરિટી ગાર્ડ દ્વારા કહેવામાં આવ્યું કે તમે તમારી ઍપ્લિકેશન લેટર-બૉક્સમાં નાખી દો, સ્કૂલ-મૅનેજમેન્ટ સુધી એ પહોંચી જશે. ‘મિડ-ડે’ ગુજરાતીએ ફી મામલે સ્કૂલ-મૅનેજમેન્ટને ઈ-મેઇલ કરી જવાબ માગ્યો હતો, પરંતુ આ લખાય છે ત્યાં સુધી કોઈ જવાબ મળ્યો નથી.

બીજું, લૉકડાઉનના કારણે અનેક વાલીઓ હાલમાં સ્કૂલની ફી ભરી શકે એમ નહોતા એથી તેમના દ્વારા આ માટે એક સામુહિક અરજી પણ કરાઈ છે અને અનેક વાલીઓ જેમની હાલત હાલ કફોડી છે તેમણે પણ તેમની પરિસ્થિતિ જણાવતી વ્યક્તિગત અરજી કરી છે. સ્કૂલ-મૅનેજમેન્ટ હવે આના પર શું નિર્ણય લે છે એના પર વાલીઓની મીટ મંડાઈ છે. બીજી તરફ જેમણે ફી ભરી છે એ જ વિદ્યાર્થીઓને ઑનલાઇન શિક્ષણ આપવાની કામગીરી પણ ચાલી જ રહી છે. જેમણે ફી નથી ભરી તેમને ઑફલાઇન વિડિયોની લિન્ક મોકલાતી નથી.

નવમા અને અગિયારમા ધોર‌ણના નાપાસ વિદ્યાર્થીઓ માટે મૌખિક પરીક્ષાની રાજ્ય સરકારની મંજૂરી

મહારાષ્ટ્ર સરકારે ધોરણ-૯ અને ૧૧ની પરીક્ષાઓમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓને વધુ એક તક આપવાનો નિર્ણય કરી તેમની મૌખિક પરીક્ષાઓ 7મી ઓગસ્ટે હાથ ધરવાનો આદેશ આપ્યો છે.

સોમવારે જારી કરવામાં આવેલા સરકારી ઠરાવ (જીઆર)માં જણાવાયું હતું કે, કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને આ વિદ્યાર્થીઓની પુનઃપરીક્ષાઓ હાથ ધરવી શક્ય નથી. વધુમાં જણાવાયું હતું કે, વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને અથવા વિડિયો કોન્ફરન્સ થકી મૌખિક પરીક્ષા યોજવી જોઇએ. મૌખિક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધોરણ ૧૦ અને ૧૨માં પ્રવેશ આપવો જોઇએ, તેમ જીઆરમાં જણાવવામાં આવ્યું હતું. ૨૦૧૮માં ધોરણ-૯ના વિદ્યાર્થીઓ માટે પુનઃપરીક્ષા યોજાઇ હતી, પરંતુ હવે, મહામારી દરમિયાન પુનઃપરીક્ષા હાથ ધરી શકાશે નહીં, તેમ તેમાં ઉમેરવામાં આવ્યું હતું.

mumbai mumbai news covid19 coronavirus