વિદેશી ડૉગીઓને એસીમાં રાખવા માટે કરવામાં આવી સાત લાખની વીજચોરી

07 March, 2020 07:48 AM IST  |  Mumbai

વિદેશી ડૉગીઓને એસીમાં રાખવા માટે કરવામાં આવી સાત લાખની વીજચોરી

વીજળીનું લીધેલું ગેરકાયદે કનેક્શન અને કાર્યવાહી કરનારી નેરુળ મહાવિતરણ કંપનીની ટીમ.

વીજળી પૂરી પાડતી કંપનીએ નેરુળના સેક્ટર એકમાં આવેલી એક હાઇફાઇ સોસાયટીના રહેવાસી સામે સાત લાખ રૂપિયાની વીજચોરીની ફરિયાદ નોંધી છે. ટ્વીનલૅન્ડ ટાવરના રહેવાસીએ પાળેલા વિદેશી કૂતરાઓને ઠંડકમાં રાખવા ઍર-કન્ડિશનર માટે વીજળી કંપનીનું ગેરકાયદે રીતે ડાયરેક્ટ કનેક્શન લીધું હોવાની બાતમી મળ્યા બાદ આ ફરિયાદ લેવાઈ હતી. આરોપીએ ગુનો કબૂલ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

મહાવિતરણ કંપનીના નેરુળ વિભાગને બાતમી મળી હતી કે નેરુળના સેક્ટર-૧માં આવેલા ટ્વિનલૅન્ડ ટાવરમાં એક કસ્ટમરે ઘરનાં ઍર-કન્ડિશનર ચલાવવા માટે વીજળીનું ગેરકાયદે કનેક્શન કર્યું છે. ટ‌િપ મળ્યા બાદ વીજ કંપનીના વાશી વિભાગના ઇન્સ્પેક્ટર એન્જિનિયર રાજારામ માનેના માર્ગદર્શનમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિંહાજીરાવ ગાયકવાડ અને પામબીચ ઉપ વિભાગ ટીમે ટ્‌વિનલૅન્ડ ટાવરમાં જઈને ચકાસણી કરી હતી.

વીજ કંપનીની કૅબિનમાં તપાસ કરતાં એક કસ્ટમરે મીટરની બહારથી વાયર લઈને ડાયરેક્ટ કનેક્શન લીધું હોવાનું જણાયું હતું. ટીમે એ કસ્ટમરના ફ્લૅટમાં જઈને જોયું તો તેણે વિદેશી કૂતરાઓને ૨૪ કલાક ઠંડકમાં રાખવા ઍર-કન્ડિશનર ચલાવવા વીજચોરી કરી હોવાનું જણાયું હતું. વીજ કંપનીએ કસ્ટમર સામે વિદ્યુત કાયદા ૨૦૦૩ની કલમ ૧૩૫ અંતર્ગત કાર્યવાહી કરીને કનેક્શન કાપી નાખ્યું હતું.

એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિંહાજીરાવ ગાયકવાડે કહ્યું હતું કે ‘કસ્ટમરે ૩૪,૪૬૫ યુનિટ વીજળી ચોરીને કંપનીને અંદાજે ૭ લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે. આ રકમ કસ્ટમરે દંડ સાથે ભરી દીધી છે.’

આ પણ વાંચો : મુલુંડનાં કચ્છી માજીની બે લાખની રોકડ, દાગીનાની બૅગ સૂર્યનગરી એક્સપ્રેસમાંથી ચોરાઈ

પાળેલા કૂતરાઓ માટે હાઇફાઇ સોસાયટીમાં વીજચોરી કરાઈ હોવાનો કેસ પકડાવાની ચોંકાવનારી વાત વાયુવેગે પ્રસરી જતાં આસપાસમાં બે દિવસથી આ ઘટનાની ચર્ચા થઈ રહી છે.

nerul mumbai news mumbai brihanmumbai electricity supply and transport