મુંબઈ : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ મુંબઈ-ગોવામાં સાત સ્થળે રેઇડ પાડી

13 September, 2020 09:39 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ મુંબઈ-ગોવામાં સાત સ્થળે રેઇડ પાડી

પ્રતીકાત્મક તસવીર

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં ડ્રગ્સના ઍન્ગલથી તપાસ કરી રહેલી તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ગઈ કાલે સવારે મુંબઈ અને ગોવામાં સાત જગ્યાએ રેઇડ પાડી હતી. ધરપકડ કરાયેલો ડ્રગ્સ પેડલર અનુજ કેશવાની અને સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ નશાના ધંધામાં સંકળાયેલા લોકોની આપેલી માહિતીને આધારે એનસીબીએ આ કાર્યવાહી કરી હતી, જેમાં બે આરોપીને તાબામાં લેવાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આમાં કરણજિત ઉર્ફે કેજેનો પણ સમાવેશ હોવાનું કહેવાય છે. બૉલીવુડને ડ્રગ્સ સપ્લાય કરવાને મામલે આ મોટું માથું હોવાની વાત છે.

રિયા ચક્રવર્તીએ બૉલીવુડમાં ડ્રગ્સનું નિયમિત સેવન કરતા ૨૫ સેલિબ્રિટીનાં નામ એનસીબીને આપ્યાં હોવાનું કહેવાય છે. તપાસ એજન્સી ડાયરેક્ટ આ લોકો સામે કાર્યવાહી ન કરી શકે એટલે તેણે આ લોકોને ડ્રગ્સ સપ્લાય કરનારાઓને પકડીને તેમની પાસેથી માહિતી મેળવવા કાર્યવાહી કરી હોવાની શક્યતા છે.

આરોપી અનુજ કેશવાની તથા અન્ય આરોપીઓ પાસેથી મળેલી માહિતીને આધારે આ કાર્યવાહી કરાઈ હતી. દક્ષિણ મુંબઈ અને વેસ્ટર્ન સબર્બ તથા ગોવાની મળીને કુલ ૭ જગ્યાએ તપાસ હાથ ધરાઈ હતી, જેમાં બે આરોપીને તાબામાં લેવાયા હતા.

ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તી સાથે જોડાયેલા આ મામલામાં ધરપકડ કરાયેલા ફૈઝાને અનુજ કેશવાનીની માહિતી આપ્યા બાદ એનસીબીએ તેની ધરપકડ કરી હતી. આ કેસમાં બૉલીવુડનાં અનેક મોટાં માથાં સંકળાયેલાં હોવાની માહિતી મળ્યા બાદ કેવી રીતે તપાસ આગળ વધારવી એ વિશે ચર્ચા કરવા માટે બે દિવસ પહેલાં દિલ્હીમાં એનસીબીના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે આ બેઠકમાં ડ્રગ્સનું સેવન કરનારાઓ સામે ડાયરેક્ટ કાર્યવાહી કરવાને બદલે ડ્રગ પેડલર્સને પકડીને તેમની પાસેથી પૂરતી માહિતી અને પુરાવા મેળવીને બાદમાં મોટાં માથાંઓ પર હાથ નાખવાનો નિર્ણય લેવાયો હતો.

ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં ડ્રગ્સનો ઍન્ગલ સામે આવ્યા બાદ એનસીબીએ અત્યાર સુધી તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક સહિત ૬ આરોપીની ધરપકડ કરી છે. તમામ આરોપીઓની તપાસમાં ચોંકાવનારાં નામો અને માહિતી સામે આવી રહી હોવાથી એનસીબી કોર્ટમાં ટકી શકે એવા પુરાવા એકત્રિત કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

mumbai mumbai news goa Crime News mumbai crime news sushant singh rajput rhea chakraborty