મુંબઈ : કોવિડના સમયમાં ગરબાની ધૂમ ડિમાન્ડ

14 October, 2020 07:51 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : કોવિડના સમયમાં ગરબાની ધૂમ ડિમાન્ડ

અવનવી રંગબેરંગી ડિઝાઈનો કોતરેલા ગરબા.

શનિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, કોવિડના સમયમાં મંદિરો બંધ છે, નવરાત્રોત્સવ સાર્વજનિક ઊજવવાની સરકારે બંધી જાહેર કરી છે, મુંબઈમાં હજી વરસાદનું જોર ઓછું થયું નથી એવા સંજોગોમાં માતાજીના ગરબાના વેચાણ પર પણ મંદીનું ગ્રહણ લાગ્યું છે. જોકે અમુક ગરબા બનાવનારા કહે છે કે સામાન્ય રીતે પહેલા નોરતે ગરબાનું વેચાણ શરૂ થાય, પણ આ નવરાત્રિએ તો રંગ રાખ્યો છે. નવરાત્રિ પહેલાં જ ગરબાનું વેચાણ જોરદાર છે. અત્યારે માર્કેટમાં ગરબાની શૉર્ટેજ છે.

માટુંગાના કુંભારવાડાના ૬૩ વર્ષના જીવરાજ ટાંકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માતાજીની અસીમ કૃપાથી કોવિડના કપરા કાળમાં પણ મુંબઈના ગુજરાતી બહુમતી ધરાવતાં ઉપનગરોમાં ગરબાની ડિમાન્ડ જબરદસ્ત છે. સપનામાં પણ આવી ડિમાન્ડ નીકળશે એવું નહોતું વિચાર્યું, એ પણ એડવાન્સમાં. અત્યારે માતાજીના ભક્તોને અવનવાં અને અવનવી ડિઝાઈનવાળા શણગારેલા ગરબાઓ જોઈએ છે, જે ડિમાન્ડને અમે પૂરી પાડીએ છીએ.’

જીવરાજ ટાંકથી પૂરીબહેન અને મીનાબહેન સ્વનિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વર્ષોથી ગરબા બનાવીને મુંબઈના ઘાટકોપર, મુલુંડ, કાંદિવલી, બોરીવલી અને બૃહદ મુંબઈના અનેક વિસ્તારોમાં ગરબા વેચવા જઈએ છીએ, પણ ગયા વર્ષ સુધી અમારો એક-એક પરિવાર હજાર ગરબા વેચતો હતો, જ્યારે આ વર્ષે કોવિડ મહામારીની પરિસ્થિતિમાં અમે માંડ વીસ ટકા ગરબાઓ બનાવ્યા છે. વર્ષો પહેલાં અમે સિઝન પ્રમાણે ગરબા, કોડિયાઓ અને લગ્ન જેવા શુભપ્રસંગોમાં ઉપયોગમાં લેવામાં આવતા માટલા-માટલીઓ બનાવીને વેચતા. જેમાંથી અમારા પરિવારનો નિર્વાહ થતો હતો.’

mumbai mumbai news navratri coronavirus covid19