કસાબે છુપાડેલાં હથિયાર અને દારૂગોળો શોધનાર ‘નૉટી’એ કરી દુનિયાને અલવિદા

12 May, 2021 08:27 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

૧૫ વર્ષના આ લેબ્રેડૉરનું ઉંમરને લગતી બીમારીને લીધે એને દત્તક લેનાર ગુજરાતીના ઘરે થયું મૃત્યુ

નૉટીએ સુરક્ષા-વ્યવસ્થામાં સિંહફાળો આપીને આખરે દુનિયાને અલવિદા કરી હતી.

૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલા વખતે હથિયાર અને દારૂગોળો શોધવામાં મદદ કરનાર ૧૫ વર્ષના નૉટી નામના લેબ્રેડૉરનું સોમવારે મોડી સાંજે અવસાન થયું હતું. દહાણુમાં એને દત્તક લેવામાં આવેલા ગુજરાતીના ઘરે અવસાન થયા બાદ વિદાય આપતી વખતે ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. 

કાળા કલરનો લેબ્રેડૉર નૉટી થોડા સમયથી બીમાર હતો અને વૃદ્ધાવસ્થાની બીમારીઓ તથા એના પ્લેટલેટ્સ કાઉન્ટ પણ ઓછા થઈ ગયા હતા. એને ડૉક્ટર મોનિકા મુલિક દ્વારા સંચાલિત દહાણુ પશુચિકિત્સાની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ સારવાર દરમ્યાન એણે સોમવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. ૫૪ વર્ષના નિવૃત્ત રણજી ક્રિકેટના ખેલાડી અને ૧૪ વર્ષથી મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ)ના ભૂતપૂર્વ સિલેક્ટર રાજેશ સુતારે ૨૦૧૫ના એપ્રિલ મહિનામાં નૉટીને દત્તક લીધો હતો.

નૉટી ૨૦૧૪ના સપ્ટેમ્બર મહિનામાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ની ડૉગ-સ્ક્વૉડ, માટુંગા યુનિટમાંથી નિવૃત્ત થયો હતો અને એને દત્તક લેવા માટે મૂકવામાં આવ્યો હતો. એ વખતે રાજેશ સુતાર આ બહાદુર હીરોને દત્તક લેવા સંમત થયા હતા અને ત્યારથી તે તેમનાં માતા-પિતા, પત્ની અને બાળકો સાથે પાલઘરના ઘરે રહેતો હતો. નૉટી સાથે તેમની એક રીતે આત્મીયતા બંધાઈ ગઈ હતી અને તે એક પરિવારના સભ્યની જેમ જ તેમની સાથે રહેતો હતો. ૨૬/૧૧ના હીરો નૉટીને રાજેશ સુતારના ઘરેથી વિદાય આપવામાં આવી હતી. એ વખતે ત્યાં આરપીએફનો સ્ટાફ, અન્ય સાથીદારો અને તેનો કૅરટેકર વસંત કામ્બલે વખતે ઉપસ્થિત રહ્યા હતા.

mumbai mumbai news mumbai terror attacks 26/11 attacks preeti khuman-thakur