શિવસેનાના મુખપત્રમાં જાહેરાત છપાતાં નાણારની ઑફિસ સામે વિરોધ-પ્રદર્શન

16 February, 2020 08:11 AM IST  |  Mumbai

શિવસેનાના મુખપત્રમાં જાહેરાત છપાતાં નાણારની ઑફિસ સામે વિરોધ-પ્રદર્શન

વિરોધ-પ્રદર્શન

રત્નાગિરિમાં નાણાર ખાતે રિફાઇનરી પ્રોજેક્ટનો શિવસેનાએ જોરદાર વિરોધ કર્યો હતો. જોકે આ પ્રોજેક્ટની જાહેરાત ગઈ કાલે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં છપાતાં નાણારવાસીઓ નારાજ થતાં તેમણે અખબારમાં છપાયેલી જાહેરાત બાબતે પૂછપરછ કરવા માટે ‘સામના’ની ઑફિસ પહોંચીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન હતા ત્યારે શિવસેનાએ નાણારવિરોધીઓને પ્રોત્સાહન પૂરું પાડીને રિફાઇનરીના પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. જોકે સત્તામાં આવતાં જ શિવસેનાના મુખપત્ર ‘સામના’ના પહેલા પાને નાણારની જાહેરાત પ્રકાશિત થઈ છે. આથી નાણારમાં રિફાઇનરીના વિરોધમાં આક્રમકતા દાખવનારી શિવસેનાએ આ બાબતે પોતાની ભૂમિકા બદલી છે કે કેમ એવો સવાલ ઊભો થાય છે.

‘સામના’ની કોંકણ આવૃત્તિમાં પહેલા પાના પર રત્નાગિરિ રિફાઇનરી ઍન્ડ પેટ્રોકેમિલ્સ લિમિટેડની જાહેરાત છાપવામાં આવી છે. નાણારથી સ્થાનિકોને રોજગાર મળવાની સાથે ઉત્તમ શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ થશે એવું જાહેરાતમાં લખાયું છે. રત્નાગિરિ રિફાઇનરીનો દરેક કદમ કોકણવાસીઓના વિકાસ માટે જ હશે એમ પણ જાહેરાતમાં છે.

નાણાર રિફાઇનરી શરૂ કરવામાં દોઢ લાખ લોકોને રોજગાર મળશે. રિફાઇનરી ચાલુ થયા બાદ ૨૦,૦૦૦ લોકોને કામ મળે. સર્વોત્તમ શૈક્ષણિક સુવિધા મળે. આથી કોંકણવાસીઓનું સ્થળાંતર બંધ થશે એવા દાવા આ જાહેરાતમાં કરાયા છે.

આ રિફાઇનરીનો વિરોધ કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ ગયા વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં આ વિનાશક યોજના કોંકણમાં આવવા નહીં દઉં. આ જાહેરાત તેમણે નાણારમાં આયોજિત સભામાં કરેલી. કોંકણની ભૂમિ સાથે અમારો લોહીનો સંબંધ છે. આ પ્રોજેક્ટ જો એટલો જ સારો હોય તો એ ગુજરાત લઈને જાઓ. અહીં યોજના લાદવાનો પ્રયાસ ન કરો. આ પ્રોજેક્ટ માત્ર નાણાર જ નહીં, આખા મહારાષ્ટ્રમાં નહીં થવા દઉં.

અગાઉ આક્રમકતા દાખવનારા ઉદ્ધવ ઠાકરેના પક્ષના મુખપત્રમાં નાણાર રિફાઇનરીની જાહેરાત જોયા બાદ ગઈ કાલે નારાજ નાણારવાસીઓ સામનાની ઑફિસે પહોંચી ગયા હતા અને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

shiv sena mumbai news mumbai konkan ratnagiri