પ્રૉપર્ટીનો વિવાદ કે અંગત અદાવત?

02 March, 2021 07:21 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

પ્રૉપર્ટીનો વિવાદ કે અંગત અદાવત?

હંસા ઠક્કર

કલ્યાણ (વેસ્ટ)ના તિલક ચોક પાસે દત્તઆળીમાં રહેતાં ૭૦ વર્ષનાં હંસા પ્રવીણ ઠક્કરનો મૃતદેહ શનિવારે સાંજે ગળું કપાયેલી હાલતમાં મળી આવતાં આખા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બાઝારપેઠ પોલીસે તેમના હત્યારાને ઝડપી લેવા બે ટીમ બનાવી છે જે અલગ-અલગ દિશામાં કામ કરી રહી છે.

મૂળ ચાંદગઢના ઘોઘારી લોહાણા જ્ઞાતિનાં હંસાબહેન પતિના નિધન બાદ એકલાં જ રહેતાં હતાં. તેમની બન્ને દીકરી સોના ઉર્ફે (હેત) અને રૂપા (હેતલ)નાં લગ્ન થઈ ગયાં છે. શનિવારે તેમને ઘણી વાર ફોન કરવા છતાં ફોન ન ઉપાડતાં તેમના દીકરી અને જમાઈ ઘરે આવ્યાં હતાં અને ત્યાર બાદ તેમનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

બાઝારપેઠ પોલીસ-સ્ટેશનના આ કેસના તપાસ-અધિકારી વિજય આહીરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે હત્યાનો કેસ નોંધીને કેસની વધુ તપાસ ચાલુ કરી છે. અમારી બે ટીમ વિવિધ માહિતી મેળવી હત્યારાને પકડવા પ્રયાસ કરી રહી છે. અમે એ વિસ્તારમાંથી સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તપાસ દરમિયાન જણાઈ આવ્યા મુજબ ઘરનો દરવાજો તોડવાનો કે પરાણે ખોલવાનો પ્રયાસ કરાયો નથી. એથી જેણે પણ તેમની હત્યા કરી છે તેને તેઓ જાણતાં હોવાં જોઈએ. બીજું, તેમના શરીર પરના સોનાના દાગીના પણ અકબંધ છે. હત્યા કરનારે એ લૂંટવાનો પ્રયાસ કર્યો નથી. એથી આ હત્યા પાછળ લૂંટનો આશય પણ નથી. અમે તેમની આજુબાજમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. છેલ્લે તેઓ ક્યારે જોવા મળ્યાં હતાં અને કોની સાથે જોવા મળ્યાં હતાં એ શોધવા ઉપરાંત અમે તેમની દીકરી અને જમાઈનાં સ્ટેટમેન્ટ લઈ રહ્યા છીએ. વળી તેમના કૉલ ડીટેલ રેકૉર્ડ પણ ચેક કરી રહ્યા છીએ કે તેઓ કોની સાથે સંપર્કમાં હતા. વળી જેમની સાથે સંપર્કમાં હતા તેના લોકેશનનો પણ અભ્યાસ કરાઈ રહ્યો છે. આ હત્યામાં કોઈ અંગત અદાવત અથવા પ્રૉપર્ટીનો પણ ઇશ્યુ હોઈ શકે છે. અમે દરેક ઍન્ગલમાં કેસની તપાસ કરી રહ્યા છીએ.’

ઘરનો દરવાજો તોડવાનો કે પરાણે ખોલવાનો પ્રયાસ કરાયો નથી એટલે જેણે પણ તેમની હત્યા કરી છે તેને તેઓ જાણતાં હોવાં જોઈએ. તેમના શરીર પરના સોનાના દાગીના પણ અકબંધ છે. હત્યા કરનારે એ લૂંટવાનો પ્રયાસ કર્યો નથી, એથી આ હત્યા પાછળ લૂંટનો આશય પણ નથી.
- વિજય આહીર, ઇન્વેસ્ટિગેટિંગ ઑફિસર

kalyan mumbai mumbai news