થિયેટરમાં મોબાઇલ-જૅમર લગાડવાનો પ્રસ્તાવ BMC મંજૂર કરવાની તૈયારીમાં

08 December, 2019 09:23 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

થિયેટરમાં મોબાઇલ-જૅમર લગાડવાનો પ્રસ્તાવ BMC મંજૂર કરવાની તૈયારીમાં

ફાઈલ ફોટો

આજના ‌ડિ‌જિટલ યુગમાં હજીય નાટક જોવા જવું હોય તો એની મજા નાટ્યગૃહમાં આવે, પણ એ મજામાં કોઈનો રણકતો મોબાઇલ ભંગ પાડે તો માત્ર નાટક જોનાર જ નહીં, એને ભજવનાર કલાકારો પણ લાલઘૂમ થઈ જાય. આ ‌સંદર્ભે અવારનવાર કલાકારો અને પ્રેક્ષકો દ્વારા વાંધો ઉપાડવામાં આવ્યો છે. એના પ‌રિણામસ્વરૂપે નાટ્યગૃહમાં જૅમર બેસાડવાની પણ અનેક વખત માગણી ઊઠી હતી. દ‌હિસરની નગરસે‌વિકાએ ૨૦૧૯ના જુલાઈમાં આ ‌વિશે પ્રશાસનમાં માગણી કરતો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે અનેક માગણીઓ બાદ અંતે હવે બીએમસીએ આ માગણીને માન્યતા આપી દીધી છે અને મહાનગરપા‌લિકાના નાટ્યગૃહમાં જૅમર બેસાડવામાં આવશે.

જોકે આ સંબંધે બીએમસીના પરિપત્રમાં જણાવાયું હતું કે કેન્દ્ર સરકાર પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવી લીધા પછી બીએમસી જૅમર બેસાડવાની યોજનાનો અમલ કરશે. જોકે જૅમર બેસાડાયા પછી પણ થિયેટર, નિર્માતા, અસોસિએશન કે આયોજક દ્વારા લેખિતમાં વિનંતી કરવામાં આવશે તો જ તેમના શો દરમ્યાન જૅમર કાર્યરત કરવામાં આવશે.

જોકે જૅમર અમલી બનાવવાના મુદ્દે એક સમસ્યા એ છે કે માત્ર પ્રેક્ષકો જ નહીં, નાટ્યગૃહમાંના કલાકારો અને આયોજકો સહિત બધાના જ મોબાઇલ બંધ થઈ જશે. આથી શો દરમ્યાન જો કોઈ ઇમર્જન્સી સર્જાય તો શું? આવી કોઈ પ‌રિ‌‌સ્થિતિ ઊભી થઈ તો એની જવાબદારી લેખિતમાં પરવાનગી માગનાર નિર્માતા કે આયોજકની રહેશે એમ બીએમસી કહે છે.

અમુક કલાકારો અને એમાં ખાસ કરીને મરાઠી રંગમંચ પર સુબોધ ભાવે અને સુ‌મીત રાઘવન દ્વારા નાટયગૃહમાં મોબાઇલ ફોનના ઉપયોગ ‌વિશે ભારે ‌વિરોધ દર્શાવાયો હતો. સુ‌મીત રાઘવનના એક નાટક વખતે મોબાઇલની ‌રિંગને કારણે તેમણે આખું નાટક અટકાવી દીધું હતું. ત્યારે બીએમસીના આ ‌નિર્ણયનું આ કલાકારોએ સ્વાગત કર્યું હતું, પણ પ્રેક્ષકોનું કહેવું છે કે આ ‌‌‌નિર્ણય યોગ્ય નથી.

પ્રેક્ષકો શું કહે છે?

ઘાટકોપર-ઈસ્ટમાં રહેતાં હંસા દે‌ઢિયાએ ‘‌મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દરેક ‌સિક્કાની બે બાજુ હોય છે અને એ જ રીતે જૅમરને લીધે ફાયદો અને ગેરફાયદો એમ બન્ને છે, પરંતુ જૅમરની સુ‌વિધા અમુક સમયે પ્રેક્ષકો માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે. ઇમર્જન્સી જેવી પ‌રિ‌સ્થિતિ કોઈ પણ સમયે આવી શકે છે એથી મોબાઇલ એકદમ બંધ હોય એ પણ ચાલી ન શકે. મોબાઇલ સાઇલન્ટ પર રહે એવું કંઈક કરવું જોઈએ.’

થાણે-વેસ્ટમાં રાહેજા ગાર્ડન પાસે રહેતાં મીના ઠક્કરે કહ્યું હતું કે ‘જૅમર બેસાડવું એ કોઈ ઉકેલ લાગતો નથી. એના કરતાં નાટયગૃહમાં મોબાઇલની ‌રિંગ વાગે તો મોટી રકમનો ફાઇન મારવો જોઈએ.’

પ્રસ્તાવ મૂકનાર નગરસે‌વિકા શું કહે છે?

આ ‌સંદર્ભે દ‌હિસરની નગરસે‌વિકા શીતલ મ્હાત્રેએ ‌‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘‌નાટ્યગૃહમાં મોબાઇલ‍-જૅમરનો ‌વિષય વિધિ સ‌મિતિમાં આવ્યો છે અને પ્રશાસને એનો જવાબ આપ્યો છે. જોકે પ્રશાસને એમાં એવું પણ કહ્યું છે કે જેને ઑપરેટ કરવું હોય એ ‌નિર્માતા લે‌ખિતમાં પ્રશાસનને જણાવે. એટલે એને ફર‌જિયાત કરવામાં નથી આવ્યું તેમ જ બીએમસી લોકલ ન્યુઝપેપરમાં જાહેરાત આપીને ‌નિર્માતા અને આયોજક સ‌હિત લોકોને કોઈ વાંધો નથીને એ ‌વિશે જાણશે. ઉપરાંત કેન્દ્ર સરકારને પણ આ ‌વિશે પૂછશે. મને એ સમજાતું નથી કે આ ‌વિષયમાં કેન્દ્ર સરકારને ઇન્વૉલ્વ કરવાની જરૂર કેમ છે? મંગળવારે લૉ ક‌મિટીમાં આ ‌વિષય પર ચર્ચા થશે ત્યારે આ ‌વિશે પણ હું સવાલ પૂછવાની છું. બીએમસી આ ‌વિષયે અનેક સવાલ ઊભા કરીને એક રીતે અવગણના જ કરતી હોય એવું લાગી રહ્યું છે.’

નિર્માતા જવાબદારી લે એ વાત તદ્દન અયોગ્ય

જૅમર બેસાડવાનો વખત આવે એના કરતાં લોકોએ ‌ડિ‌સિપ્લિનમાં રહી નાટક જોવાની ટેવ પાડવી જરૂરી છે. લોકો મનોરંજન માટે આવે છે તો એના પર ધ્યાન રાખવું જોઈએ, ન કે મોબાઇલમાં જીવ રાખવો જોઈએ. મોબાઇલ સાયલન્ટ રાખવો એ બેસ્ટ ‌વિકલ્પ છે. ‌નિર્માતા ફક્ત ૩થી ૪ કલાક માટે થિયેટર હાયર કરતું હોય છે તો પછી ‌નિર્માતા અન્ય કોઈ જવાબદારી કઈ રીતે લઈ શકે? પ્રેક્ષકો માટે ‌કે અન્ય કોઈ પ‌રિ‌સ્થિતિ માટે નિર્માતા જવાબદારી લે એ તો એકદમ અયોગ્ય છે.

- કૌસ્તુભ ‌‌ત્રિવેદી, નિર્માતા

આ પણ વાંચો : શારીરિક શોષણથી પરેશાન દત્તક પુત્રીએ જ ‍બૉયફ્રેન્ડ સાથે મળીને હત્યા કરી

‌નાટક માટે મોબાઇલનો ભોગ નહીં આપે લોકો

‘નાટક જોવા આવતા લોકોએ જ પોતાની સમજદારી દેખાડવી જોઈએ અને પોતાનો મોબાઇલ સાઇલન્ટ પર રાખવો જોઈએ, પરંતુ લોકો મૂર્ખામી કરીને બીજાને પણ હેરાન કરતા હોય છે. એક્ઝામ‍-હૉલમાં મોબાઇલ નથી લઈ જતાને, તો પછી નાટ્યગૃહમાં કેમ? જૅમરને કારણે ચાર કલાક મોબાઇલ બંધ રહેવાથી નાટક જોવા આવતા ડૉક્ટરો અને અન્ય ઇમર્જન્સી સ‌ર્વિસ આપતા લોકો માટે ખાસ્સી સમસ્યા સર્જાઈ શકે છે તેમ જ ચાર કલાકનો મોબાઇલનો ભોગ લોકો નાટક માટે આપી શકે એમ નથી. એ ઉપરાંત ‌નિર્માતાને માથે કંઈ થાય તો એની જવાબદારી નાખી દેવી એ તદ્દન ખોટું છે. એટલી મોટી બાંયધરી કોઈ ‌નિર્માતા આપી શકે એમ નથી.

- સિદ્ધાર્થ રાંદેરિયા, અભિનેતા-નિર્માતા

mumbai mumbai news brihanmumbai municipal corporation