છ મહિના બાદ મીરા-ભાઈંદરમાં મહાનગરપાલિકાની બસ ચાલુ થશે

28 September, 2020 02:17 PM IST  |  Mumbai | Mumbai Correspondent

છ મહિના બાદ મીરા-ભાઈંદરમાં મહાનગરપાલિકાની બસ ચાલુ થશે

પ્રતીકાત્મક તસવીર

અંદાજે ૮૦ કિલોમીટરમાં ફેલાયેલા મીરા-ભાઈંદરનો વિકાસ ઝડપથી થઈ રહ્યો હોવાથી અહીં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખૂબ વસતિવધારો થયો છે. લોકસંખ્યા વધવાની સાથે મીરા-ભાઈંદર રેલવે સ્ટેશનોની બન્ને બાજુએ અનેક કિલોમીટર સુધી જોડિયા નગર ડેવલપ થઈ રહ્યું છે. આથી અહીં રહેતા લોકો માટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ રાહતના દરે લોકો મુસાફરી કરી શકે એ માટે બસ સર્વિસ ચાલુ કરી છે, પરંતુ છેલ્લા છ મહિનાથી આ બસો બંધ હોવાથી લાખો રહેવાસીઓ પરેશાન થઈ ગયા છે. જોકે લૉકડાઉનમાં અપાયેલી છૂટછાટ અને પાલિકા તેમ જ કર્મચારીઓના પગાર બાબતની મુશ્કેલી ગઈ કાલે કેટલેક અંશે ઉકેલાઈ જવાથી એક-બે દિવસમાં બસો ફરી શરૂ થવાની શક્યતા છે.

રાજ્યભરમાં લૉકડાઉનમાં છૂટછાટ અપાયા બાદ પાલિકા સંચાલિત બસો શરૂ થઈ ગઈ છે, પરંતુ મીરા-ભાઈંદરમાં હજી પણ બંધ છે. પાલિકાએ અહીં બસો ચલાવવા માટે ભગીરથી ટ્રાન્સ કૉર્પોરેશનને કૉન્ટ્રૅક્ટ આપ્યો છે. પાલિકા દ્વારા આ કંપની દ્વારા બસ ચાલુ ન કરાતાં એનો કૉન્ટ્રૅક્ટ રદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આથી કંપની દ્વારા કર્મચારીઓનો બાકી રહેલો પગાર તબક્કાવાર ચૂકવવાની તૈયારી બતાવાઈ છે. શુક્રવારે ૧૦ બસ દોડાવવાની શરૂઆત પણ થવાની હતી. જોકે જ્યાં સુધી પગાર પોતાના બૅન્ક અકાઉન્ટમાં નહીં આવે ત્યાં સુધી એક પણ બસ ચાલુ ન કરવા દેવાની માગણી સાથે શુક્રવારે આખી રાત બસના કેટલાક કર્મચારીઓ બસ ડેપોની બહાર બેસી રહ્યા હતા.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અજિત મુઠેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાલિકાએ કંપનીને ૨૮ સપ્ટેમ્બરથી નિયમિત બસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. પાલિકા દ્વારા સમયસર પેમેન્ટ ન થાય તો પણ કંપનીએ બસો ચાલુ કરવાની ખાતરી આપી છે. આથી બસો ચાલુ થઈ જવી જોઈએ.’

mira road bhayander mumbai mumbai news brihanmumbai municipal corporation