કચ્છી માજીની પૈસા અને દાગીનાની બૅગ સૂર્યનગરી એક્સપ્રેસમાંથી ચોરાઈ

07 March, 2020 07:48 AM IST  |  Mumbai

કચ્છી માજીની પૈસા અને દાગીનાની બૅગ સૂર્યનગરી એક્સપ્રેસમાંથી ચોરાઈ

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાનના પાલીથી મુંબઈ આવતી વખતે ટ્રેનના સેકન્ડ એસી કોચમાંથી મુંબઈમાં રહેતાં કચ્છી વૃદ્ધાની રોકડ રકમ અને દાગીના સહિતની બે લાખ રૂપિયાની મતા સાથેની બૅગ ચોરાઈ જવાની ચોંકાવનારી ઘટના ગઈ કાલે બની હતી. આથી પણ આંચકાજનક વાત એ છે કે શંકાના આધારે કોચ-અટેન્ડન્ટની બૅગ ચકાસતાં એમાંથી દારૂની બૉટલો મળી આવી હતી. તેમની સામે ફરિયાદ કરતાં વચ્ચેનાં કોઈ સ્ટેશને ઊતરીને ગાયબ થઈ ગયા હતા. બપોરે ટ્રેન બાંદરા ટર્મિનસ પહોંચી ત્યારે વૃદ્ધાએ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ભાગી ગયેલા અટેન્ડન્ટની દારૂની બૉટલોવાળી બૅગ પોલીસને સોંપી હતી.

મુલુંડમાં વાલજી લધા રોડ પરના પ્રભાત અપાર્ટમેન્ટમાં રહેતાં ૬૨ વર્ષના ઊર્મિલા ખુશાલ ગડા પુત્ર મેહુલ સાથે ગુરુવારે સાંજે રાજસ્થાનના પાલીથી બાંદરા ટર્મિનસ આવતી સૂર્યનગરી એક્સપ્રેસમાં ચડ્યાં હતાં. એસીના એચએ૧ કોચમાં તેમની ૧૧ નંબરની બર્થ હતી. રાત્રે જમીને તેઓ સૂઈ ગયાં હતાં ત્યારે તેમણે પોતાની કૅશ અને દાગીના સાથેની સોલ્ડર બૅગ પોતાની બર્થમાં સાઇડમાં મૂકી હતી. વહેલી સવારે ટ્રેન આણંદ નજીક પહોંચી ત્યારે તેમની આંખ ખૂલી ત્યારે બૅગ ન જોઈને તેઓ ચોંકી ઊઠ્ય‍ાં હતાં. તેમણે પુત્ર મેહુલને જગાડીને બૅગ ચોરાયાનું કહ્યું હતું.

બાંદરા રેલવે પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કૅશ અને દાગીના સાથેની અંદાજે ૧,૯૬,૫૦૦ રૂપિયાની મતા સાથેની બૅગ ગાયબ થવાનું જાણ્યા બાદ મેહુલ ગડા સહિતના પ્રવાસીઓએ કોચમાં તપાસ કરી હતી. એસી કોચમાં બે અટેન્ડન્ટ સિવાય કોઈ નહોતું એટલે તેમના પર શંકા જતાં તેમનો સામાન ચકાસ્યો હતો ત્યારે એમાંથી દારૂની પાંચ બૉટલ મળી આવતાં બધા ચોંકી ગયા હતા. ટ્રેનના ટીસીને આ બાબતે જાણ કરતાં તેમણે ફરિયાદ લેવાને બદલે બાંદરા ટર્મિનસ ટ્રેન પહોંચે ત્યારે પોલીસ-ફરિયાદ કરવાનું કહ્યું હતું.

મેહુલ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ટ્રેનના સુપરવાઇઝરને કોચ-અટેન્ડન્ટ પાસેથી દારૂની બૉટલો મળી આવ્યાની ફરિયાદ કરતાં બન્ને વારાફરતી વચ્ચેનાં કોઈક સ્ટેશને ઊતરી ગયા હતા. એસી કોચમાં ચડીને કોઈ બહારની વ્યક્તિ ચોરી કરે એની શક્યતા નથી. આ કામ કોચ‍-અટેન્ડન્ટનું જ હોવાની શક્યતા છે. અમે બાંદરા રેલવે પોલીસ સ્ટેશનમાં મમ્મીની સોલ્ડર બૅગ ચોરાયાની ફરિયાદ નોંધાવી છે.’

આ પણ વાંચો : ‘ઘરમાં કૅશ રાખીએ તો બ્લૅક મની અને બૅન્કમાં રાખવાનું ઘણું ડેન્જરસ છે’

બાંદરા રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિલાસ ચૌગુલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઊર્મિલા ગડા નામની મહિલા પ્રવાસીની જોધપુરથી બાંદરા આવેલી સૂર્યનગરી એક્સપ્રેસના એસી કોચમાંથી કૅશ અને દાગીના ભરેલી સોલ્ડર બૅગ ચોરાયાની ફરિયાદ નોંધી છે. કોચ-અટેન્ડન્ટ પાસેથી મળેલી દારૂની પાંચ બૉટલનો કેસ પણ નોંધીને તપાસ શરૂ કરી છે.’

કોચ-અટેન્ડન્ટનો સામાન તપાસતાં એમાંથી દારૂની બૉટલ મળી : પોલીસે બન્ને મામલાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી

mumbai mumbai news mulund