લોકલ ટ્રેનમાંથી પડી જતા જીવ ગુમાવ્યો મુલુંડની ગુજરાતી ફિઝિયોથેરપિસ્ટે

23 February, 2020 07:30 AM IST  |  Mumbai

લોકલ ટ્રેનમાંથી પડી જતા જીવ ગુમાવ્યો મુલુંડની ગુજરાતી ફિઝિયોથેરપિસ્ટે

નમ્રતા જનક પંડ્યા

મુલુંડ-વેસ્ટમાં ભક્તિ માર્ગ પર આવેલા નીલકંઠ દર્શન સોસાયટીમાં રહેતાં ૩૪ વર્ષીય નમ્રતા જનક પંડ્યાએ શુક્રવારે સાંજે નાહૂર અને મુલુંડ વચ્ચે લોકલ ટ્રેનમાંથી પડી જઈને જીવ ગુમાવ્યો હતો.

નમ્રતાબેનના પરિવારમાં તેમના હસબન્ડ ઉપરાંત તેમનો પાંચ વર્ષનો છોકરો વિનીત ઉપરાંત તેમનાં સાસુ-સસરા સાથે તેઓ મુલુંડમાં ભક્તિ માર્ગ પર આવેલી નીલકંઠ દર્શન સોસાયટીમાં પહેલે માળે રહે છે. મૂળ ગામ પઢમલાના વતની અને મુલુંડનાં નમ્રતાબેન ફિઝિયોથેરાપિસ્ટ હતાં. તેઓ ભાંડુપમાં ક્લિનિક પર ગયાં હતાં. કામ પૂરું કર્યા બાદ સાંજે ચાર વાગ્યે ભાંડુપથી ઘરે આવવા માટે નીકળ્યાં હતાં ત્યારે તેઓ ટીટવાલા ગાડીમાં ચડ્યાં હતાં. ટીટવાલા ગાડીમાં સાંજના સમયે બહુ ગિરદીને લીધે તેઓ નાહુર અને મુલુંડ વચ્ચે ટ્રેનમાંથી પડી ગયાં હતાં. પડી જતાં નમ્રતાબેનને માથાના ભાગમાં માર વાગ્યો હતો. મુલુંડ રેલવે પોલીસને અકસ્માતની જાણ થતાં તુરત જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાર બાદ નમ્રતાને અગ્રવાલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં પણ ત્યાં ડૉક્ટરે નમ્રતાબેનને મૃત જાહેર કર્યાં હતાં. રેલવે પોલીસે તુરંત આ ઘટનાની માહિતી આપવા માટે નમ્રતાબેનના સસરા પ્રવીણભાઈને ફોન કર્યો હતો.

આ સંબંધી વધુ માહિતી આપતા નીલકંઠ દર્શન સોસાયટીના સેક્રેટરી વસંત મજેઠિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સોસાયટીના મેમ્બરોને આ વાત ખબર પડતાં સોસાયટીના મેમ્બરો એકદમ સ્તબ્ધ થઈ ગયા હતા. નમ્રતાબેનની અંતિમયાત્રા શનિવારે બપોરે ત્રણ વાગ્યે કાઢવામાં આવી હતી.

આ સંબંધી માહિતી આપતાં નમ્રતાબેનના સસરા પ્રવીણભાઈ પંડ્યા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ ઘટના બનવાની પાંચ મિનિટ પહેલાં તેની મારા દીકરા જનક સાથે વાત થઈ હતી, તેણે જણાવ્યું હતું કે હું થોડીવારમાં જ ઘરે આવી રહી છું. નમ્રતા ભાંડુપ ક્લિનિકમાં ગઈ હતી અને ત્યાંથી પાછી આવતી વખતે આ ઘટના બની હતી. વધુ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે નમ્રતા એકદમ શાંત સ્વભાવની હતી. આ ઘટનાથી અમારા આખા પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો છે.

mumbai local train mulund train accident western railway mumbai mumbai news central railway