મુલુંડની એપેક્સ હૉસ્પિટલ નહીં કરી શકે કોરોના દરદીઓનો ઇલાજ : પાલિકા

16 October, 2020 07:54 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મુલુંડની એપેક્સ હૉસ્પિટલ નહીં કરી શકે કોરોના દરદીઓનો ઇલાજ : પાલિકા

પ્રતીકાત્મક તસવીર

મુલુંડની એપેક્સ હૉસ્પિટલમાં બનેલી ઘટના બાદ પાલિકાએ હૉસ્પિટલની તપાસ માટે પૅનલ તૈયાર કરી હતી, જેમાં પાલિકાએ હૉસ્પિટલને નિર્દેશ આપ્યો હતો કે રચાયેલી પૅનલ દ્વારા મંજૂરી ન મળે ત્યાં સુધી કોરોના દરદીઓનો ઇલાજ કરવો નહીં. પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે હૉસ્પિટલ સામે અનેક લોકોની તપાસ માટે પાલિકાને પત્ર મળ્યા હતા ત્યાર બાદ નિર્ણય લઈ પૅનલ ત્યાર કરવામાં આવી હતી.

મુલુંડ વીણાનગરમાં આવેલી એપેક્સ હૉસ્પિટલમાં સોમવારે ડીજી સેટમાં આગ લાગતાં અહીંના ૩૮ દરદીઓને ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમાંના બે દરદીઓનાં મૃત્યુ થયાં હતાં. એ જોતાં પાલિકાએ હૉસ્પિટલની બેદરકારીથી તો આ ઘટના બની નથી એના માટે ચાર જણની પૅનલ ત્યાર કરવામાં આવી હતી. જ્યાં સુધી તેઓની પૅનલ હૉસ્પિટલને ક્લીન ચીટ નહીં આપે ત્યાં સુધી હૉસ્પિટલ દ્વારા કોરોના દરદીઓનો ઇલાજ નહીં કરવામાં આવે.

મુલુંડના ધારાસભ્ય મિહિર કોટેચાએ હૉસ્પિટલ સામે તપાસની માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘હૉસ્પિટલમાં હજી પણ કોવિડ દરદીઓ દાખલ કરવામાં આવી રહ્યા છે. જો હવે કોઈ બનાવ બને તો એના માટે બીએમસી જવાબદાર રહેશે. જો તપાસ દરમિયાન હૉસ્પિટલની કોઈ બેદરકારી સામે આવે તો એનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે.’

હેલ્થ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાનીએ જણાવ્યું હતું કે ‘પાલિકાની સમિતિ હૉસ્પિટલની તપાસ કરી રહી છે. જ્યાં સુધી તેઓ સ્પષ્ટતા આપે નહીં ત્યાં સુધી અમે નિર્દેશ આપ્યો છે કે હૉસ્પિટલ દ્વારા કોઈ પણ નવા કોવિડ દરદીઓ દાખલ કરવામાં ન આવે.’

mumbai mumbai news mulund brihanmumbai municipal corporation coronavirus covid19 lockdown