મુંબઈ : મુકેશ પટેલના પુત્ર તપનનું અકસ્માતમાં મૃત્યુ

01 October, 2020 07:25 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : મુકેશ પટેલના પુત્ર તપનનું અકસ્માતમાં મૃત્યુ

તપન પટેલ અને તેમની મર્સિડિઝ કારની હાલત.

જાણીતા ઉદ્યોગપતિ અને શિરપુર નગરપાલિકા નિર્માણ સમિતિના અધ્યક્ષ તપન મુકેશ પટેલનું મુંબઈ-આગ્રા હાઇવે પર મંગળવારે રાત્રે રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તપન પટેલ શિવસેનાના ભૂતપૂર્વ સંસદસભ્ય મુકેશ પટેલના પુત્ર છે અને તેઓ બહુમતીથી ચૂંટાઈને તેઓ શિરપુર નગરપાલિકાના નગરસેવક પણ બન્યા હતા.

અકસ્માત વિશે મળેલી પ્રાથમિક માહિતી અનુસાર તપન પટેલની મર્સિડિઝ કાર રસ્તા પરના ડિવાઇડર સાથે અથડાતાં એન્જિનમાં ધડાકો થતાં ફાટયું હતું. તેઓ ઘરે જતા હતા ત્યારે તેમની કાર ટોલ-પ્લાઝા પાસે ડિવાઇડર સાથે અથડાઈ હોવાથી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માતની ઘટના શિરપુરના સાવળદેના એનએમઆઇએમએસ કૅમ્પસની બહાર આવતાં ગૅલેક્સી નામની હોટેલ સામે બની હતી. અકસ્માતમાં તપન પટેલ ગંભીર રીતે જખમી થતાં તેમને નજીકની એક હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.

તપન પટેલના કુટુંબીજનો રાજકીય ક્ષેત્રથી હોવાથી તેમને એ વિશે સારી એવી જાણકારી હતી. એથી રાજકીય જીવનમાં ઓછી વયે યશ મેળવ્યો હતો. તેઓ શિવસેનાના રાજ્યસભાના ભૂતપૂર્વ સંસદસભ્ય મુકેશભાઈ પટેલના દીકરા અને ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન અમરીશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ભૂપેશભાઈ પટેલ અને મેયર જયશ્રીબહેન પટેલના ભત્રીજા હતા. તેમની સાથે તેમની માતા, બાળકો, પત્ની અને કાકા રહે છે.

વિલે પાર્લા કેળવણી મંડળના ટ્રસ્ટી રાજેન્દ્ર(રાજુ)ભાઈ શાહે શિરપુરથી ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તપનભાઈ અમારા મંડળના સક્રિય ટ્રસ્ટીમાંથી એક હતા. સ્વભાવે એકદમ સરળ અને હસમુખ હોવાથી બધા સાથે એક થઈને રહેતા હતા. મુકેશભાઈનો પડછાયો જ સમજો. તેમણે આ રીતે અકસ્માતમાં જીવ ગુમાવ્યો એ માન્ય કરી શકાય એવું નથી. અમે બધા જ આઘાતમાં છીએ. ગઈ કાલે મોડી સાંજે તેમના કૅમ્પસમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં રહેતાં તેમનાં બહેનની રાહ જોવામાં આવી હતી.

mumbai mumbai news vile parle