જળાશયો છલકાઈ જતાં પાલિકાએ પાણીકાપ રદ કર્યો

29 August, 2020 10:29 AM IST  |  Mumbai | Mumbai correspondent

જળાશયો છલકાઈ જતાં પાલિકાએ પાણીકાપ રદ કર્યો

ફાઈલ તસવીર

મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોના ઉપરવાસમાં સારો વરસાદ પડતાં પાણીની સપાટીમાં વધારો થયો છે. ગઈ કાલે સવારે ૬ વાગ્યે કરાયેલી ગણતરી મુજબ બધાં જળાશયોનો પાણીપુરવઠો ૯૫.૧૯ ટકા સુધી પહોંચી ગયો છે એથી પાલિકાએ પાંચમી ઑગસ્ટથી લાગુ કરેલો પાણીકાપ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. એ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાએ થાણે, ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકા અને અન્ય સંબંધિત ગામમાં પણ પાણીપુરવઠો નિયમિત સપ્લાય કરવાનો નિર્ણય લીધો છે એમ મુંબઈ મહાનગહરપાલિકાના હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે.

આ વર્ષે જૂન અને જુલાઈમાં તળાવ ક્ષેત્રોમાં વરસાદ ઓછો પડ્યો હોવાથી પાણીપુરવઠો માત્ર ૩૪ ટકા જ બચ્યો હતો એથી મુંબઈ મહાનગરપાલિકાએ પાંચમી ઑગસ્ટથી ૨૦ ટકા પાણીકાપ લાગુ કર્યો હતો. એ પછી ઉપરવાસમાં સારો વરસાદ પડતાં ૨૧ ઑગસ્ટથી ૨૦ ટકા પાણીકાપ ઘટાડીને ૧૦ ટકા કર્યો હતો. એ પછી પણ ઉપરવાસમાં સારો વરસાદ થતાં ગઈ કાલે સવારે ૭ જળાશયોમાં કુલ ૧૩,૭૭,૩૦ મિલ્યન લિટર એટલે કે ૯૫.૧૯ ટકા પાણીપુરવઠો હોવાનું નોંધાયું હતું. આજે ૨૯ ઑગસ્ટથી એ ૧૦ ટકાનો પાણીકાપ પાછો ખેંચી લેવાયો છે.

mumbai mumbai news mumbai water levels mumbai monsoon mumbai rains