સેન્ટ્રલ રેલવેની આરપીએફ ટીમ રેલવે પ્રવાસીઓની મદદે આવી

10 June, 2021 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલવે ઠપ થતાં પ્રવાસીઓને ટ્રેનની અંદર જઈ ફૂડ-પૅકેટ્સ આપ્યાં અને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં મદદ કરી

પ્રવાસીઓને મદદ કરી રહેલા સેન્ટ્રલ રેલવેના આરપીએફના જવાનો.

મુશળધાર વરસાદને કારણે ટ્રૅક પર પાણી ભરાઈ જતાં ગઈ કાલે સેન્ટ્રલ રેલવે ઠપ થઈ હતી. એને કારણે ટ્રેનની અંદર પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે સેન્ટ્રલ રેલવેની આરપીએફ ટીમ પ્રવાસીઓની મદદે આવી હતી. એણે લાંબા સમય સુધી ટ્રેનમાં અટવાયેલા અનેક પ્રવાસીઓને ફૂડ-પૅકેટ્સ આપવાની સાથે બીજી મદદ પણ કરી હતી.

આ વિશે માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેના સિનિયર ડિવિઝનલ સિક્યૉરિટી કમિશનર સચિન ભાલોડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ટ્રૅક પર પાણી ભરાઈ જતાં અનેક સ્ટેશનોની આસપાસ ટ્રેનો ઊભી રહી ગઈ હતી. લાંબો સમય ટ્રેનમાં અટવાયેલા જે પ્રવાસીઓએ બાય રોડ જવું હતું તેમને ઉતારવામાં જવાનોએ મદદ કરી હતી. તેમણે એક ટ્રેનમાંથી પ્રેગ્નન્ટ મહિલાને પણ ઉતારી હતી. ઘાટકોપર, વિદ્યાવિહાર, કુર્લા, દાદર જેવાં વિવિધ સ્ટેશનોની આસપાસ ઊભેલી ટ્રેનોમાંથી બસો જેટલા પ્રવાસીઓને નીચે ઉતાર્યા હતા. આ ઉપરાંત પ્રવાસીઓ લાંબો સમય સુધી ટ્રેનમાં બેઠા હોવાથી તેમને સહાય કરવા માટે આરપીએફે ટ્રેનમાં જઈને બિસ્કિટ, ચા, પાણી, ફૂડ-પૅકેટ્સ આપ્યાં હતાં.’

mumbai mumbai news central railway mumbai rains mumbai monsoon mumbai weather indian railways