Mumbai Rains : મંગળવારે પણ સવારથી મુંબઈ પર મેઘરાજા મહેરબાન રહ્યાં

05 July, 2022 05:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે રાત્રે ૧૦.૨૧ કલાકે ૧.૭૫ મીટરની નીચી ભરતીની સંભાવના

સાયનમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા (તસવીર : શાદાબ ખાન)

મુંબઈ શહેર અને ઉપનગરમાં સોમવારે બપોર પછી શરુ થયેલ મુશળધાર વરસાદ મંગળવારે પણ ચાલુ રહેતા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાયન, બાંદ્રા, કિંગ સર્કલ, માટુંગા અને કુર્લાના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. જ્યારે અંધેરીમાં લોકોએ ધૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.

સોમવારે બપોરથી શરુ થયેલા વરસાદે મંગળવારે ફક્ત થોડીક જ વાર વિરામ લીધો હતો. પરંતુ સામાન્ય જનજીવનને થોડીક અસર થઈ હતી. દરમિયાન, પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ હોવા છતાં ટ્રેનો સામાન્ય રીતે પાંચથી દસ મિનિટ મોડી ચાલી રહી હતી.

સમાચાર એજન્સી ANIના અહેવાલ પ્રમાણે, શહેરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ અધિકારીઓને તકેદારી રાખવાનું કહ્યું છે. તેમજ NDRF ટુકડીઓને તૈયાર રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે.

ભારતીય હવામાન વિભાગે મંગળવારે મુંબઈ અને તેના ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. તો કેટલાંક વિસ્તારમાં છુટાં છવાયા પણ ભારે ઝાપટા પડવાની શક્યતા દર્શાવી છે.

ભારતીય હવામાન વિભાગ મુંબઈએ તેની હવામાનની આગાહીમાં જણાવ્યું છે કે, સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૦.૦૭ ડિગ્રી સેલ્સિશ્યસની આસપાસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિશ્યસ રહેશે. જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૦.૦૯ ડિગ્રી સેલ્સિશ્યસ અને લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિશ્યસ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પહેલી જૂનથી કોલાબા વેધશાળાએ કુલ ૭૫૮.૬ મિલીમીટર વરસાદ નોંધ્યો હતો. જ્યારે સાંતાક્રુઝ વેધશાળામાં કુલ ૭૩૨.૫ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

મુંબઈમાં સાંજે ૪ વાગીને ૧૦ મિનીટે ૪.૦૧ મીટરની ઉંચી ભરતીની આગાહી કરવામાં આવી હતી. તેમજ આજે રાત્રે ૧૦.૨૧ કલાકે ૧.૭૫ મીટરની નીચી ભરતીની સંભાવના છે.

દરમિયાન, નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગળવારે આપેલા ડેટા મુજબ, નવી મુંબઈમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૬૮૦.૫૧ મિલીમીટર વરસાદ નોંધાયો છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા અપડેટ મુજબ, બેલાપુરમાં ૧૬૩.૫૦ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે નેરુલ, વાશી, કોપરખૈરને અને ઐરોલીમાં અનુક્રમે ૧૮૭.૪૦ મિલીમીટર, ૨૨૦.૮૦ મિલીમીટર, ૨૨૫.૫૦ મિલીમીટર અને ૧૫૫.૨૦ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સોમવારે સવારે ૮.૩૦ વાગ્યાથી મંગળવારે સવારે ૮.૩૦ વાગ્યા સુધીમાં નવી મુંબઈમાં સરેરાશ ૧૮૨.૯ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

mumbai mumbai news mumbai monsoon mumbai rains Weather Update