મુંબઈમાં વરસાદનું જોર ઘટ્યું, ત્રણ જગ્યાએ વૃક્ષ પડ્યાં

08 July, 2020 12:01 PM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈમાં વરસાદનું જોર ઘટ્યું, ત્રણ જગ્યાએ વૃક્ષ પડ્યાં

ત્રણ જગ્યાએ વૃક્ષ પડ્યાં

સતત ત્રણ દિવસ સુધી મુંબઈ અને આસપાસના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ પડ્યા બાદ ગઈ કાલે વરસાદનું જોર ઘટ્યું હતું. હવામાન ખાતાએ આગામી ૨૪ કલાકમાં કેટલાંક સ્થળે હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી ગઈ કાલે કરી હતી. વરસાદે થોડો વિરામ લીધો હોવાથી મુંબઈગરાઓએ રાહતનો દમ લીધો હતો.

સાંતાક્રુઝમાં ૨૪ કલાક દરમ્યાન ૩૦ મિમી તો કોલાબામાં ૧૩.૪ મિમી જેવો સામાન્ય વરસાદ નોંધાયો હતો, જ્યારે મુંબઈ નજીકના રાયગડ જિલ્લામાં આવેલા હિલ સ્ટેશન માથેરાનમાં ૯૩.૪ મિમી એટલે કે ૪ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ થયો હતો. થાણે-બેલાપુરમાં ૭૪ મિમી વરસાદ નોંધાયો હોવાનું હવામાન ખાતાએ નોંધ્યું હતું.

હવામાન ખાતાના મુંબઈ વેધશાળાના ડેપ્યુટી ડિરેક્ટર કે. એસ. હોસલીકરે ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે આગામી ૨૪ કલાકમાં મુંબઈ સહિત દહાણુ, અલીબાગ અને પાલઘરમાં હળવોથી ભારે વરસાદ થઈ શકે છે. ગયા ૨૪ કલાકમાં અલીબાગમાં ૫૪ મિમી તો પાલઘરના દહાણુમાં ૩૪.૭ મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.

રત્નાગિરિમાં ૩૦.૨ મિમી, નાશિકમાં ૨૫.૨ મિમી અને કોલ્હાપુરમાં ૭.૪ મિમી વરસાદ થયો હતો અને આગામી ૨૪ કલાકમાં પણ અહીં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

કાંદિવલી-વેસ્ટમાં સરોજિની નાયડુ રોડ પર બપોરે સાડાત્રણ વાગ્યે ઝાડનો અમુક હિસ્સો રસ્તા પર પાર્ક થયેલી ગાડી પર પડવાથી એને ખાસ્સું નુકસાન થયું હતું. લૉકડાઉન હોવાથી અને બપોરનો સમય હોવાથી લોકોની અવરજવર નહોતી એટલે કોઈને ઈજા થઈ નહોતી. એ ઉપરાંત કાંદિવલી-વેસ્ટના સ્વામી વિવેકાનંદ રોડ પર આવેલા સ્નેહાંજલિ શોરૂમની સામેનું ઝાડ વરસાદ આવતાં અચાનક ગાડી પર પડતાં ગાડીનો કાચ તૂટી ગયો હતો. મલાડમાં એસવી રોડ પર આવેલા નટરાજ માર્કેટની સામે પણ એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં પણ કોઈ જાનહાની થઈ નહોતી.

mumbai mumbai news santacruz goregaon mumbai rains mumbai monsoon mumbai weather