Mumbai Monsoon Havoc: સાંતાક્રુઝમાં વૃક્ષના નિરીક્ષણ દરમ્યાન કર્મચારીઓ પર ઝાડ પડ્યું, ૮ લોકો ઘાયલ

04 July, 2026 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Mumbai Monsoon Havoc: થાણેમાં વીજળીનો કરન્ટ લાગવાથી બે લોકોનાં મોત; નાલાસોપારામાં પાઇપલાઇન ફૂટી અને વધુ સમાચાર

સાંતાક્રુઝ વેસ્ટમાં SNDT કોલેજ પાછળ રિલીફ રોડ પર બે ઉખડી ગયેલા વૃક્ષો

ચેમ્બુરમાં સ્કૂલ-બસ પર ઝાડ પડવાની જીવલેણ ઘટના બન્યા બાદ BMCના કર્મચારીઓએ જોખમી ઝાડના નિરીક્ષણની કાર્યવાહી ઝડપી બનાવી હતી. દરમ્યાન ગુરુવારે સાંતાક્રુઝમાં પડી ગયેલા એક ઝાડનું નિરીક્ષણ કરવા માટે BMCના કર્મચારીઓ પહોંચ્યા એ જ સમયે તેમના પર બીજું એક ઝાડ પડ્યું હતું. ઝાડ પડતાં ૮ લોકોને ઈજા થઈ હતી. SNDT કૉલેજ પાછળ બનેલા આ બનાવમાં બે મોટાં ઝાડ ધરાશાયી થયાં હતાં જેને કારણે આખો રસ્તો જૅમ થઈ ગયો હતો. ઝાડ નીચે ફસાયેલા કર્મચારીઓ અને અન્ય લોકોને આસપાસના સ્થાનિક લોકોએ મદદ કરીને બહાર કાઢ્યા હતા.

થાણેમાં વીજળીનો કરન્ટ લાગવાથી બે લોકોનાં મોત

વરસાદને પગલે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વધુ બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. મુંબ્રામાં પડી રહેલા ભારે વરસાદમાં ગુરુવારે ૧૭ વર્ષની ટીનેજરને વીજળીનો કરન્ટ લાગ્યો હતો. મુમ્બ્રાના યાસ્મિન પાર્કમાં રહેતી આલિયા ચાંદીવાલા કોઈ કામ માટે બહાર નીકળી હતી ત્યારે પાણી ભરાયેલા વિસ્તારમાં વીજળીનો કરન્ટ લાગ્યો હતો. આ ઉપરાંત થાણેમાં ૬૦ વર્ષનાં એક મહિલાને પણ ઘરની નજીક ભરાયેલા પાણીમાં વીજળીનો કરન્ટ લાગતાં તેમનું મૃત્યુ થયું હતું. સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે વીજળી વિભાગને વારંવાર ફરિયાદ કરવા છતાં કપાયેલા કેબલો બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

મીરા-ભાઈંદરમાં બાઇક પર નારિયેળનું ઝાડ પડ્યું, ભૂતપૂર્વ ડેપ્યુટી મેયરના પુત્રનું મૃત્યુ

મીરા-ભાઈંદરના મુર્ધાગાંવમાં ભારે વરસાદ અને પવનને લીધે નારિયેળનું ઝાડ પડતાં ભૂતપૂર્વ ડેપ્યુટી મેયરના ૩૫ વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું. મુર્ધાગાંવના રહેવાસી અને મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર રાહુલ પાટીલ બુધવારે સાંજે સદાનંદનગર વિસ્તારમાં બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નારિયેળનું એક ઝાડ મૂળમાંથી ઊખડીને તેમના પર પડ્યું હતું. બુધવારે બનેલી ઘટનાના બે દિવસ પછી હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન રાહુલ પાટીલે જીવ ગુમાવ્યો હતો. 

નાલાસોપારામાં પાઇપલાઇન ફૂટી, ૨૦ ફુટ ઊંચો ફુવારો ઊડ્યો

વસઈ-વિરારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી ઑલરેડી લોકો પરેશાન છે ત્યારે ગઈ કાલે મુંબઈ-અમદાવાદ હાઇવે પર નાલાસોપારા પાસે પાણીની મેઇન પાઇપલાઇનમાં ભંગાણ પડતાં ૨૦ ફુટ ઊંચો ફુવારો ઊડ્યો હતો. એને કારણે રસ્તા પર લાખો લીટર પાણી વહી ગયું હતું. વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનને એ વિશે જાણ કરવામાં આવી હતી અને એના મેઇન્ટેનન્સના કર્મચારીઓએ આવીને એ પાઇપલાઇન રિપેર કરી હતી. જોકે એ પહેલાં લાખો લીટર પાણી વહી ગયું હતું અને પાણીનો વેડફાટ થયો હતો.

વરસાદને લીધે તુર્ભેમાં મુખ્ય રસ્તા પર પડ્યા ખાડા

નવી મુંબઈમાં પડી રહેલા જોરદાર વરસાદની અસર રસ્તા પર પણ જોવા મળી હતી. તુર્ભેમાં મુખ્ય રસ્તા પર મોટા ખાડા જોવા મળ્યા હતા.

mumbai mumbai news mumbai rains mumbai monsoon mumbai weather santacruz thane mira road bhayander nalasopara navi mumbai