09 July, 2024 02:34 PM IST | Mumbai | Rohit Parikh
ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં તૂટી ગયેલી રામેશ્વર દુગ્ધાલયની દીવાલ અને બહાર ઊભેલા સત્યનારાયણ જોશી
ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં આવેલી શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાની બાજુમાં આવેલા રામેશ્વર દુગ્ધાલયની નાળા તરફની દીવાલ રવિવારે મોડી રાતના અંદાજે ૨.૩૦ વાગ્યાની આસપાસ ધસમસતા પાણીમાં ધસી ગઈ હતી જેની સાથે દુકાનમાં રાખવામાં આવેલું ગૅસ-સિલિન્ડર અને અન્ય સામાન પણ પાણીમાં તણાઈ ગયો હતો. જોકે દુકાનના માલિક સત્યનારાયણ જોશી દુકાનમાંથી બહાર આવી જતાં તેમનો જીવ બચી ગયો હતો. તેમણે જોયું કે તેમની બાજુમાં આવેલી પતરાંની કૅબિનમાં ટી-સ્ટૉલ નાળા તરફ નમી રહ્યો છે એટલે તેમણે તરત જ એ કૅબિનમાં શાંતિથી સૂઈ રહેલા ધનરાજને બચાવવા માટે જોરજોરથી કૅબિનના શટરને ખખડાવવાનું શરૂ કરીને ધનરાજને જગાડીને બચાવી લીધો હતો.
આ બાબતની માહિતી આપતાં સત્યનારાયણ જોશીના દીકરા મનીષ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે દુકાન ૧૯૯૯માં શરૂ કરી હતી. ત્યાર પછી ૨૦૦૫ની ૨૬ જુલાઈએ મુંબઈ આવેલા તોફાની અને મુશળધાર વરસાદમાં અમારી આખી દુકાન પાણીમાં તણાઈ ગઈ હતી ત્યારે અમને મોટો આર્થિક ફટકો પડ્યો હતો, પરંતુ ત્યાર પછી ક્યારેય અમને ચોમાસામાં તકલીફ પડી નથી. જોકે રવિવારના મોડી રાતના જોરદાર વરસાદમાં ફરીથી નાળાનાં પાણી અમારી દુકાનમાં આવી ગયાં હતાં જેમાં અમારી દુકાનની દીવાલ તૂટી ગઈ હતી.’
પોતે કઈ રીતે બચી ગયા એની માહિતી આપતાં સત્યનારાયણ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે મોડી રાતના વરસાદમાં દુકાનની પાછળ આવેલું નાળું એકદમ ભરાઈ ગયું હતું. ગમે એવી ઊંઘમાં પણ સહેજ અવાજ આવે એટલે હું જાગી જાઉં છું. વરસાદ વધતાં ખટખટ અવાજ આવવાનો શરૂ થયો હતો એટલે હું દુકાનનું શટર અડધું રાખીને બહાર આવી ગયો હતો ત્યાં તો મારી સામે પાણી દુકાનમાં ભરાવા લાગ્યું હતું. આથી હું મારી દુકાનના ડૉક્યુમેન્ટ્સ લેવા દુકાનની અંદર ગયો ત્યારે મારી સામે દુકાનની દીવાલ તૂટી અને એકદમ ફોર્સમાં દુકાનમાં પાણી ભરાવા લાગ્યું હતું. મારી દુકાનનો બધો જ સામાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. મેં તરત જ ધનરાજને પણ ચેતવીને બહાર કાઢી લીધો હતો. ૨૬ જુલાઈના વરસાદમાં તેની કૅબિન નાળા પણ વાંકી વળીને લટકી ગઈ હતી, પરંતુ આ વખતે બધું બચી ગયું છે.’