ભાઇંદરમાં સુધરાઈએ કરેલા દાવાઓ પર પાણી ફરી વળ્યું

10 June, 2021 08:10 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ચોમાસાના પહેલા જ દિવસે રસ્તા પર અને સોસાયટીઓમાં ભરાયાં પાણી : અનેક બિલ્ડિંગોમાં બે ફૂટ સુધી પાણી ઘૂસ્યાં હતાં તેમ જ ગ્રાઉન્ડ ફ્લોર અડધો પાણીમાં હતો

ગઈ કાલે થોડા વરસાદમાં બેકરી ગલીમાં ભરાઈ ગયેલાં પાણી.

ભાઈંદર (વેસ્ટ)માં ભાઈંદર પોલીસ સ્ટેશન પાસે સિદ્ધિ​વિનાયક માર્ગ પર બેકરી ગલીના નામે જાણીતા રસ્તા પર અને અહીં આવેલી અનેક સોસાયટીઓમાં ગઈ કાલે થોડો વરસાદ પડ્યો હોવા છતાં પાણી ભરાઈ ગયાં હતાં. સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા અનેક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યાં હોવાથી લોકોએ નારાજગી દાખવી હતી. એની સાથે જ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનરના પાણી ભરાશે નહીં એવા દાવા પર પ્રશ્ન ઊભો થયો છે.

મીરા-ભાઈંદરમાં નાળાસફાઈનું ૯૦ ટકા કામ થયું હોવાનો દાવો સુધરાઈના કમિશનર દિલીપ ઢોલે દ્વારા કરવામાં આવ્યો હતો. અનેક મોટાં નાળાંની સફાઈ થઈ હોવાનું પણ કહેવાયું હતું. જોકે ગઈ કાલે અનેક રસ્તાઓ પર પાણી ભરાયેલાં જોવા મળ્યાં હતાં. બેકરી ગલીમાં આવેલા સિદ્ધિ​વિનાયક અપાર્ટમેન્ટમાં રહેતા પ્રદીપ ભાટિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારના વરસાદ હતો, પરંતુ એનું પ્રમાણ ઓછું હતું. એટલો વરસાદ પડવા છતાં અહીંની અનેક સોસાયટીઓમાં બે ફૂટ સુધી પાણી ઘૂસ્યાં હતાં તેમ જ ગ્રાઉન્ડ ફ્લોર તો અડધો પાણીમાં હતો. ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા લોકોને એટલો અંદાજ નહોતો કે ચોમાસાના પહેલા જ દિવસે આટલું પાણી ભરાઈ જશે. પહેલા દિવસે આવી હાલત થઈ તો આગળ શું થશે એ ચિંતા લોકોના મનમાં ઘૂસી ગઈ છે. સુધરાઈએ દાવા કરવા પહેલાં વરસાદ આવે એની રાહ જોવી જોઈએ.’

mumbai mumbai news mumbai rains mumbai monsoon mumbai weather mira road bhayander preeti khuman-thakur