ચોમાસાની તમામ માહિતી મેળવો સુધરાઈની Mumbai Monsoon ઍપ્લિકેશન દ્વારા

07 June, 2014 04:13 AM IST  | 

ચોમાસાની તમામ માહિતી મેળવો સુધરાઈની Mumbai Monsoon ઍપ્લિકેશન દ્વારા




ચોમાસા દરમ્યાન મુંબઈગરાઓને અગવડ ન પડે એ માટે સુધરાઈએ Mumbai Monsoon નામની મોબાઇલ ઍપ્લિકેશન લૉન્ચ કરી છે. ઍન્ડ્રોઇડ મોબાઇલ ધરાવતા લોકો એને મફતમાં ડાઉનલોડ કરી શકે છે તો આગામી બેથી ત્રણ દિવસમાં IOS ઑપરેટિંગ સિસ્ટમ ધરાવતા મોબાઇલમાં આ સિસ્ટમ ડાઉનલોડ કરી શકાશે. એમાં યુઝર આસપાસના વિસ્તારોમાં પડેલા વરસાદનું પ્રમાણ, આગામી ૪૮ કલાકનું હવામાન, પાણીનો ભરાવો થયો હોય એવાં સ્થળો, ટ્રાફિક-ડાઇવર્ઝન, તાપમાન, ભેજનું પ્રમાણ તથા પવનની ગતિ જેવી વિગતો મેળવી શકશે.

યુઝર કુલ ૩૦ વિકલ્પમાંથી સૌથી નજીકનું લોકેશન પસંદ કરી શકશે. વળી વિગતો માટે નજીકના વેધર-સ્ટેશન વિશે પણ જણાવવામાં આવશે. ભારે વરસાદ વખતે ટ્રાફિક-ડાઇવર્ઝન વિશે લાઇવ અપડેટ આપી શકાય એ માટે ટ્રાફિક-ડિપાર્ટમેન્ટ સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે. એમાં મોટી ભરતીના દિવસો તથા સમયની જાણકારી પણ આપવામાં આવશે. સુધરાઈએ ૨૦૧૨માં ચોમાસાની જાણકારી આપતી www.mumbaimonsoon.com નામની વેબસાઇટ શરૂ કરી હતી. આ વેબસાઇટ પર પણ તમામ માહિતીઓ મૂકવામાં આવશે.