૨૦૧૩ના મધ્યમાં મોનોરેલની સવારી

29 November, 2012 09:03 AM IST  | 

૨૦૧૩ના મધ્યમાં મોનોરેલની સવારી



શિરીષ વક્તાણિયા


વડાલાથી ચેમ્બુર સુધી આ મહિનાના ત્રીજા અઠવાડિયામાં એમએમઆરડીએએ પહેલી વાર સફળતાપૂર્વક મોનોરેલ દોડાવી હતી અને ૨૦૧૩ના મધ્યમાં મુંબઈના લોકોનું મોનોરેલમાં પ્રવાસ કરવાનું સપનું ખરેખર પૂરું થશે. ઍડિશનલ મેટ્રોપૉલિટન કમિશનર અશ્વિની ભીડેએ કહ્યું હતું કે ‘આ મહિનાના ત્રીજા અઠવાડિયામાં પહેલી વાર સફળતાપૂર્વક વડાલા-ચેમ્બુર વચ્ચે મોનોરેલ દોડાવવામાં આવી હતી. આ ટ્રેન કોઈ પણ પ્રૉબ્લમ વગર સરળતાથી ચાલી હતી. આ પ્રોજેકટ પૂરો કરવાની ઘણી નજીક અમે આવી ગયા છીએ.’

એમએમઆરડીએએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૫થી ૧૭ નવેમ્બરની વચ્ચે મોનોરેલ દોડાવવાનું કામ કરવામાં આવ્યું હતું. આ મોનોરેલનું વજન અને એ કેટલી સરળતાથી પસાર થાય છે એ જાણવા માટે આ ટ્રેન લગભગ ૮.૭ કિલોમીટર સુધી દોડાવવામાં આવી હતી.’

વડાલા-ભક્તિ પાર્ક અને મૈસુર કૉલોની વચ્ચે પ્રતિકલાક ૮૦ કિલોમીટર મહત્તમ સ્પીડથી મોનોરેલ દોડાવવામાં આવી હતી. આવતા દિવસોમાં ઑથોરિટી બાકીના ભાગ પર પણ ટેક્નિકલ રીતે ટ્રેન દોડાવશે.

મોનોરેલ ઑપરેશનને ઇલેક્ટ્રિસિટી પહોંચાડનાર ટ્રૅક્શન સબસ્ટેશનનું કામ પણ પૂરું થઈ ગયું છે અને વધારાનાં સબસ્ટેશનોનું કામ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ૨૦૧૩ના ફેબ્રુઆરી સુધી મોનોરેલના ટ્રૅકનું કામ પણ પૂરું થઈ જશે અને મધ્ય સુધીમાં મોનોરેલનું કામ પૂરું થઈ જશે. મોનોરેલના સિગ્નલિંગ અને ઇલેક્ટ્રિકનું કામ પણ ચાલી રહ્યું છે અને આવતા ત્રણ-ચાર મહિનામાં સ્ટેશનોના કૉરિડોરનું કામ પૂરું થઈ જશે. એમએમઆરડીએએ વડાલા ડેપોથી ભક્તિ પાર્ક સુધી ફેબ્રુઆરીમાં પણ બે કિલોમીટરના અંતરે મોનોરેલ ટેસ્ટ માટે દોડાવી હતી.

પ્રથમ તબક્કામાં ૯ કિલોમીટરના અંતરનાં સાત સબસ્ટેશનો છે. એમાં ચેમ્બુર, વી. એન. પુરવ માર્ગ, ફર્ટિલાઇઝર કૉલોની, ભારત પેટ્રોલિયમ, મૈસુર કૉલોની, ભક્તિ પાર્ક અને વડાલા ડેપોનો સમાવેશ છે.

અગાઉ એમએમઆરડીએએ ૨૦૧૦માં પહેલી વાર ટેસ્ટ માટે મોનોરેલ દોડાવી હતી, પણ એ ફક્ત ૨૦૦ મીટર સુધી દોડાવવામાં આવી હતી.

તમને ખબર છે?

જેકબ સર્કલ-વડાલા-ચેમ્બુર મોનોરેલનું લગભગ ૨૭૦૦ કરોડ રૂપિયાનું પ્રોજેક્ટ-૨ બક્કામાં બનાવવામાં આવ્યું છે. પહેલા તબક્કામાં : વડાલા-ચેમ્બુર અને બીજા તબક્કામાં જેકબ સર્કલ-વડાલા.