દેણદારોએ બિલ્ડરો માટેના વ્યાજદર તોતિંગ વધારી દીધા

18 October, 2011 09:25 PM IST  | 

દેણદારોએ બિલ્ડરો માટેના વ્યાજદર તોતિંગ વધારી દીધા

 

લેટેસ્ટ રેટ ૨૪થી ૩૬ ટકાનો, એક બિલ્ડરે તો ૪૦ ટકાએ પૈસા ઉપાડ્યા

પશ્ચિમ મુંબઈના એક બિલ્ડરે તાજેતરમાં જ ૫૦,૦૦૦ ચોરસ ફૂટની પોતાની પ્રૉપર્ટી માત્ર ૩૦ લાખ રૂપિયામાં ગિરવી મૂકી હતી, કારણ કે તેણે ઊંચા વ્યાજે લીધેલી લોનનાં નાણાં ચૂકવવાનાં હતાં. આવા તો અનેક બનાવો નોંધાયા છે જેમાં બિલ્ડરોને ઊંચા વ્યાજે લીધેલાં નાણાં ચૂકવવા દબાણ કરવામાં આવી રહ્યું છે. એક નાણાં ધીરનારે તાજેતરમાં એક બિલ્ડરને ૪૦ લાખ રૂપિયા ૪૦ ટકા વ્યાજે આપ્યા હતા. માર્કેટમાં પોતાની શાખ બચાવવા માટે પણ બિલ્ડરોએ આ કદમ ઉઠાવવા માટે મજબૂર થવું પડ્યું છે. આવી પ્રવાહી પરિસ્થિતિને કારણે ઇન્વેસ્ટરો પણ કોઈ જોખમ નથી લેવા માગતા.

ફ્લૅટના ભાવ ઘટી શકે

શું વર્તમાન પરિસ્થિતિમાં નવા ફ્લૅટ ખરીદનારાઓ માટે સારા સમાચાર છે? હા, રિયલ એસ્ટેટના ક્ષેત્રની એક અગ્રણી રિસર્ચ ફર્મ તો આ વાતને સમર્થન આપે છે, કારણ કે નવા ફ્લૅટ ખરીદનારાઓની સંખ્યામાં આવેલા ભારે ઘટાડાને કારણે બિલ્ડરોની હાલત કફોડી બની છે. એવું બને કે તેઓ પોતાના ભાવ ઘટાડવા સીધી રીતે તો તૈયાર ન થાય, પણ વાટાઘાટો જરૂર કરે તેમ જ કંઈકેટલીયે શરતો પણ હળવી કરી શકે, વિવિધ પ્રલોભનો પણ આપે અને માત્ર તમને જ આ ઘટાડેલા ભાવે ફ્લૅટ આપી રહ્યા છીએ એવી વાતો પણ કરે. આ તમામ વાતનો ખરીદદારે લાભ ઉઠાવવો જોઈએ.