શિવસેનાને નીચું દેખાડવા MNSના નેતાએ ગુજરાતીમાં ટ્વીટ કરી કાચું કાપ્યું

13 January, 2021 06:18 AM IST  |  Mumbai | Mid-day Correspondent

શિવસેનાને નીચું દેખાડવા MNSના નેતાએ ગુજરાતીમાં ટ્વીટ કરી કાચું કાપ્યું

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા પ્રમોદ ઉર્ફે રાજુ પાટીલ

શિવસેનાએ ગુજરાતીઓને રિઝવવાનું શરૂ કર્યું હોવાથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)એ એના મરાઠી મત આંચકી લેવા માટે એક પણ મોકો નહીં છોડવાનું નક્કી કર્યું છે. એના જ ભાગરૂપે ગઈ કાલે એક સ્કૂટરવાળા પાસેથી ટ્રાફિક પોલીસે દંડ વસૂલ કરતા એમએનએસે આ ઘટનાને મરાઠી અસ્મિતાના મુદ્દા સાથે જોડીને રાજ્યના મુખ્ય પ્રધાન પાસેથી જવાબ માગ્યો છે.

ગુજરાતીમાં સીએમઓ કાર્યાલયને ટ્વિટ કરાયું

આ સ્કૂટરવાળાએ પોતાના સ્કૂટર પર મરાઠીમાં નંબર પ્લેટ લખી હોવાથી તેની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો એવો દાવો કરીને એમએનએસના એક માત્ર વિધાનસભ્ય રાજુ પાટીલે આ મુદ્દે મુખ્ય પ્રધાનને ટેગ કરીને ગુજરાતીમાં એક ટ્વીટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં મરાઠી નંબર પ્લેટ પર કાર્યવાહી થઈ રહી છે, જરા ધ્યાન આપો. મરાઠી માણસ આશાની નજરે તમારી તરફ જોઈ રહ્યો છે’

ટ્રાફિક વિભાગે કરેલા દંડના ચલાણની કોપી.

વાત ત્યાં પૂરી નથી થતી ત્યાર બાદ આ વિધાનસભ્યે રાજ્યના પરિવહન પ્રધાન અનિલ પરબને પણ પત્ર લખીને મરાઠી અ્સ્મિતાનું રક્ષણ કરવા કહ્યું હતું અને મરાઠી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે કોઈ કાર્યવાહી કરવાને બદલે બધા વાહનોની નંબર પ્લેટ ફરજિયાત મરાઠીમાં કરવાનું આહ્વાન કર્યું હતું. જોકે આ બધામાં સૌથી રસપ્રદ વાત એ છે કે ટ્રાફિક પોલીસે આ સ્કૂટરવાળા પાસેથી દંડ મરાઠી ભાષાનો ઉપયોગ કરવા માટે નહીં, પણ નંબર પ્લેટના શબ્દો અને આંકડાઓ કાયદા મુજબ જે માપના જોઈએ એવા ન હોવાને લીધે દંડ કર્યો હતો.

રવિવારે શિવસેનાએ પહેલીવાર ગુજરાતી મેળાવડો રાખ્યો હોવાથી એણે મરાઠી માણૂસનો સાથ છોડી દીધો છે એવું બતાવવા માટે એમએનએસ આ બધું કરી રહી હોવાનું રાજકીય પંડિતોનું કહેવું છે.

આ બાબતે રાજુ પાટીલ તેમ જ રાજ્યના પરિવહન પ્રધાન અનિલ પરબનો સંપર્ક કરવાની કોશિશ કરવા છતાં તેમની સાથે વાત નહોતી થઈ શકી.

shiv sena maharashtra navnirman sena mumbai mumbai traffic