વસઈ-ભાઇંદરને જોડતો છ લેનનો બ્રિજ સપ્ટેમ્બર, 2024 સુધીમાં તૈયાર કરાશે

25 February, 2020 07:37 AM IST  |  Mumbai

વસઈ-ભાઇંદરને જોડતો છ લેનનો બ્રિજ સપ્ટેમ્બર, 2024 સુધીમાં તૈયાર કરાશે

વસઈ-ભાઇંદરનો બ્રિજ

મુંબઈ–અમદાવાદ હાઇવે પર વસઈ અને ભાઇંદરની વચ્ચે ટ્રાફિક જૅમમાં ફસાઈ જનારા કારચાલકોના ચહેરા પર સ્મિત ફરકી ઊઠે એવા એક સમાચાર છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) ભાઇંદર ખાડી ઉપર ૬ લેન બ્રિજનું બાંધકામ કરી રહી છે જે સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ખુલ્લો મુકાશે.

એક વખત કાર્યરત થઈ ગયા બાદ આ બ્રિજને કારણે મુસાફરીનો સમય ૬૦-૯૦ મિનિટ છે એ ઘટાડીને ૧૦ મિનિટ કરતાં પણ ઓછો થઈ જશે.

એમએમઆરડીએના અધિકારીના જણાવ્યા મુજબ ‘હાલમાં અમે ભાઇંદર-વેસ્ટથી વસઈ-વેસ્ટને જોડતા થ્રી પ્લસ થ્રી લેન બ્રિજનું બાંધકામ કરીશું. ભવિષ્યના ટ્રાફિક જૅમની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવો વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવશે તથા મેસર્સ સ્ટૂપ કન્સલ્ટન્ટ્સની આ માટે નિયુક્તિ કરવામાં આવી છે. આ બ્રિજ વિસ્તરિત મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી)નો ભાગ હશે.’

અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં વસઈ-વેસ્ટ અને ભાઇંદર-વેસ્ટની વચ્ચે પ્રવાસ કરનારા કારચાલકોએ તેમના ગંતવ્ય સ્થળે પહોંચવા માટે વાયા મુંબઈ-અમદાવાદ હાઇવેનું ૩૦ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. સવાર અને સાંજના પીક અવર્સમાં સ્થિતિ વધુ વણસે છે અને આ મુસાફરીમાં ૬૦-૯૦ મિનિટ જેટલો સમય લાગે છે જેને કારણે માત્ર સમય જ નહીં, બલકે ઇંધણનો પણ વ્યય થાય છે.

mumbai metropolitan region development authority vasai bhayander mumbai news