આ ગંદા ધંધામાં જે પણ સામેલ હશે તેને કોઈ પણ કિંમત પર બક્ષવામાં નહીં આવે: યોગેશ સાગર

20 February, 2026 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદિવલીના મહાવીરનગરમાં ડ્રગ્સ વેચતા પાનવાળા પર વિધાનસભ્ય યોગેશ સાગરે રેઇડ પાડી, પોલીસ કાર્યવાહી નથી કરતી એટલે અમારે રસ્તા પર ઊતરવું પડે છે એમ જણાવીને જાહેર ચેતવણી આપીને કહ્યું કે... આવા લોકોની પાછળ હું વ્યક્તિગત રીતે પડવાનો છું

ગઈ કાલે પાડેલી રેઇડ દરમ્યાન યોગેશ સાગર

કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં પાનવાળા પાસે ડ્રગ્સ વેચાતું હોવાની માહિતી મળતાં ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગરે જાતે આગેવાની લઈને પોલીસને સાથે રાખીને રેઇડ પાડી હતી. તેમણે કહ્યું હતું કે પોલીસે જે કાર્યવાહી કરવી જોઈએ એ નથી કરતી એટલે અમારે રસ્તા પર ઊતરવું પડ્યું છે. આ આખી ઘટનાનો વિડિયો યોગેશ સાગરે સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો અને એની સાથે લખ્યું હતું કે ‘હું સ્પષ્ટ ચેતવણી આપું છું કે આ ગંદા ધંધામાં જે પણ સામેલ હશે તેને કોઈ પણ કિંમત પર બક્ષવામાં નહીં આવે. હું વ્યક્તિગત રીતે આવા લોકોની પાછળ પડવાનો છું.’
એ વિડિયોમાં જણાઈ રહ્યા મુજબ મહાવીરનગરના પાનવાળા પાસેથી ડ્રગ્સ લેવા માટે વપરાતી ભૂંગળીઓનું બૉક્સ ખોલીને એમાંની ભૂંગળીઓ યોગેશ સાગરે કૅમેરાની સામે બતાવી હતી અને ત્યાર બાદ પોલીસને પણ એ બતાવી હતી. એટલું જ નહીં, તેમણે પોલીસ-કૉન્સ્ટેબલને પણ કહ્યું હતું કે ‘આ ભૂંગળીઓમાં ગાંજાનો પાઉડર, વાઇટ પાઉડર ભરીને પીવાય છે. શું તમને આની જાણ નથી?’

પોલીસ ત્યાર બાદ તે પાનવાળાનો બધો જ સામાન જપ્ત કરીને તેને પોલીસ-સ્ટેશનમાં લઈ ગઈ હતી.

યોગેશ સાગરે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માત્ર મહાવીરનગરમાં જ નહીં, બધે જ આ ડ્રગ્સ વેચાય છે. ખાસ કરીને ૭૫ ટકા જેટલા પાનવાળા અને ચાઇનીઝની લારીવાળા એ વેચે છે. આનાથી દેશનું યંગ જનરેશન બરબાદ થઈ રહ્યું છે. તેમના પર પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, પણ એ નથી કરતી એટલે અમારે રસ્તા પર ઊતરવું પડે છે.’

kandivli charkop borivali bharatiya janata party mumbai police Crime News mumbai mumbai news