મિસિંગ બાળકો માટે મસીહા બની મલાડની લેડી પોલીસ-ઑફિસર

05 March, 2021 07:32 AM IST  |  Mumbai | Mehul Jethva

મિસિંગ બાળકો માટે મસીહા બની મલાડની લેડી પોલીસ-ઑફિસર

ઉષા ખોતેએ કલકત્તા, કર્ણાટક, ગોવા, પંજાબ, યુપી જેવાં રાજ્યોમાંથી 88 બાળકોને શોધીને તેમના સ્વજનો સુધી પહોંચાડ્યાં હતાં

આજકાલ સોશ્યલ મીડિયાના રવાડે ચડવાને લીધે બાળકો નાની-નાની વાતમાં ઘર છોડીને જતાં રહેતાં હોવાથી પોલીસ ડિપાર્ટમેન્ટ પર આ બાળકોને શોધવાની જવાબદારી આવી જાય છે, પણ મલાડના માલવણી પોલીસ-સ્ટેશનમાં એક મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર છે જેમને આખા મુંબઈના પોલીસવાળા સ્પેશ્યલ મિસિંગ ઑફિસર તરીકે ઓળખે છે. એનું કારણ એ છે કે તેમણે છેલ્લા સવા વર્ષમાં જ માલવણી પોલીસ-સ્ટેશનમાં ફરજ બજાવતા ૧૦૦ પણ વધારે ગુમ થયેલાં બાળકોનો તેમના સ્વજનો સાથે મેળાપ કરાવ્યો છે.

ઉષા ખોતે નામનાં આ મહિલા પોલીસ-અધિકારીએ છ વર્ષ પહેલાં પોલીસ ફોર્સ જૉઇન કરી હતી, જેમાં માલવણી પોલીસ-સ્ટેશનમાં તેમની આ સેકન્ડ પોસ્ટિંગ છે. ગયા વર્ષે માલવણી પોલીસ-સ્ટેશનમાં કિડનૅપ, જબરદસ્તીથી વસૂલી અથવા તો પ્રેમમાં ભોળવીને ૯૦ નાનાં બાળકોની ગુમ થવાની ફરિયાદ આવી હતી. આ બાળકોને શોધવાની જવાબદારી ઉષા ખોતે પર હતી. તેમણે પોતાનું સંપૂર્ણ નેટવર્ક તેમ જ આવા કેસો સૉલ્વ કરવાની કુનેહ વાપરીને કલકત્તા, કર્ણાટક, ગોવા, પંજાબ, યુપી જેવાં રાજ્યોમાંથી ૮૮ બાળકોને શોધીને તેમના સ્વજનો સુધી પહોંચાડ્યાં હતાં, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં ૧૫ બચ્ચાંઓ ગુમ થયાં હોવાની ફરિયાદ આવી હતી અને એ તમામ કેસ તેમણે સફળતાપૂર્વક સૉલ્વ કરી નાખ્યા છે.

મુંબઈ પોલીસનાં ૯૬ પોલીસ-સ્ટેશનોનાં ગુમ થયેલાં બાળકોને શોધવા માટેનું એક વૉટ્સઍપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપમાં પણ દરેક પોલીસ-સ્ટેશનના અધિકારીઓ ઉષા ખોતે પાસેથી કેસ સૉલ્વ કરવા ટિપ્સ લેતા હોય છે. તાજેતરમાં જ સૉલ્વ થયેલા એક કેસ વિશે ઉષા ખોતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા એરિયામાંથી જ એક છોકરીની મિસિંગની ફરિયાદ આવી હતી. તે છેલ્લા દસેક દિવસથી ગુમ હતી. પહેલાં મેં તેની ફૅમિલી તેમ જ જેના સંપર્કમાં તે રહેતી હતી એ બધા લોકોનો સંપર્ક કરીને માહિતી મેળવવાની કોશિશ કરી, પણ કોઈ લીડ ન મળી. ત્યાર બાદ તેના કૉલ-રેકૉર્ડ્સ પરથી એક એવો નંબર મળ્યો જે એકદમ અજાણ્યો હતો. આ નંબર અમે ટ્રેસ કર્યો તો એ વ્યક્તિ આગરામાં હોવાની માહિતી મળી. ત્યાર બાદ અમને જાણવા મળ્યું કે ઑનલાઇન ગેમ રમતાં-રમતાં આ બન્નેની દોસ્તી થઈ હતી અને તે આ છોકરીને આગરા ભગાવીને લઈ ગયો હતો. અમારી ટીમે આગરા જઈને આ કેસ સૉલ્વ કર્યો હતો.’

પોતાની કામગીરી વિશે ઉષા ખોતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુમ થયેલાં બાળકોમાં એક મૂળ કારણ એ જોવા મળ્યું હતું કે તેમનાં માતા-પિતા તેમના પર ધ્યાન નહોતાં આપતાં. બીજું એક કારણ એ છે કે નાની ઉંમરમાં સ્માર્ટફોન તેમના હાથમાં આપો એટલે તેઓ ખોટા રસ્તે જવાના ૭૦ ટકા ચાન્સ હોય છે. જો દરેક માતા-પિતા પોતાના બાળકને દિવસમાં એક વાર બાજુમાં બેસાડીને તેમની સાથે પ્રેમથી વાત કરે તો ગુમ થવાના કેસમાં ખાસ્સો ઘટાડો આવી શકે એમ છે.’

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસે કર્યાં વખાણ
માલવણી પોલીસ-સ્ટેશનનાં આ ઑફિસરના કાર્યનાં વખાણ કરતાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ બાલસિંહ રાજપૂતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવા સરસ પર્ફોર્મન્સને લીધે પોલીસ કમિશનરે એક પ્રમાણપત્ર આપીને તેનું સન્માન કર્યું હતું. આ સાથે તેને આવું સરસ ડિટેક્શન આગળ પણ કરતા રહેવા માટે શુભેચ્છા આપવામાં આવી હતી.’

નાની ઉંમરમાં બાળકના હાથમાં સ્માર્ટફોન આપો એટલે તેઓ ખોટા રસ્તે જવાના ૭૦ ટકા ચાન્સ હોય છે. માતા-પિતા પોતાના બાળકને દિવસમાં એક વાર બાજુમાં બેસાડીને તેમની સાથે પ્રેમથી વાત કરે તો ગુમ થવાના કેસમાં ખાસ્સો ઘટાડો આવી શકે એમ છે.
- પોલીસ-અધિકારી ઉષા ખોતે

mumbai mumbai news malad mehul jethva